પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦


અટકતું હોય તે મને મુખ્તારનામું મોકલો અને બેંકમાંથી પઈસા ઉપાડવા રજા આપો. લક્ષ્મી ચાંલો કરવા આવે ત્યારે મ્હોં ધોવા જવું કામનું નથી."

“હું તમારા જેટલું ભણ્યો નથી, પણ ગણ્યો વધારે છું ને માયા રાખો છો તો આટલું કહુંછું પછી વિદ્યાનું પુછડું ઝાલી રાખવું હોય તો તમે ભોગવજો ને અમે જોઈશું.”

“લા૦ તમારો બાળપણનો સ્નેહી
“ સંસારીલાલ.”

ચંદ્રકાંત ઉપર આવેલા પત્રોમાંના ઘણા નીચે એણે ટૂંકામાં ટાંચણ કરેલું હતું અને તેમાં પોતે લખવા ધારેલા અથવા લખેલા ઉત્તરનો સાર હતો. ઉપરના પત્ર નીચેનું ટાંચણ એના હાથનું સરસ્વતીચંદ્ર વાંચવા લાગ્યો.

“ચંદ્ર પાછળ ચંદ્રકાંત દ્રવે તે ઘરના પથરા ન સમઝે. પારકું ખાવાની દ્હાડ મ્હારે માટે તમારી સળકે તો ઘરમાં ભેળાં થયેલાંની પોતાને માટે સળકે એ તમે જાત અનુભવથી સમજજો. આપણા શરીરમાં પઈસાનું માંસ હોય ને ઘરમાં ઝાડુ ક્‌હાડવા સાવરણી ન હોય ત્યારે ઘરના ડાંસ માંસ ચાખે પણ ખરા. પણ માબાપને બ્હાર ક્‌હાડી સાળીને સંગ્રહે એવા સાહેબ લોકનો રીવાજ આપણે પાળતા નથી. આપણે તો ડાંસ કરડો કે માંકણ કરડો, પણ જૈનનો દયાધર્મ પાળી પરલોકનું સુખ ઇચ્છીએ છીએ, ઘરનાં ભુખ્યાની દ્‌હાડ સળકશે તે આપણા શરીરમાં હશે ત્યાં સુધી ખાશે. કુવામાં હશે ત્યાં સુધી હવાડામાં આવશે. યોગી થઈને જોવું કે અકરાંતીયાં ખાય છે કેમ ને દુષ્કાળીયાં મરે છે કેમ ? અને આપણે આપણા આત્માનંદમાં મગ્ન ર્‌હેવું. સાક્ષી થઈ આનંદરૂપ થવું તે આ જ. પારકી માના જાયા દેશ લુંટે ને ઘરના જાયા ધર લુંટે તે લુટાલુટ વચ્ચે ઉભાં રહી દિગમ્બર યતિ થવું એ આપણે કપાળે લખેલો છઠ્ઠીનો લેખ છે. દેશ લુટે તે જબરાને કાંઈ ક્‌હેવાય નહી ને સાસુ ઉપરની રીસ ન્હાનાં બાળક ઉપર ક્‌હાડનારી વહુવારુની પેઠે ઘરનાં કંગાળ માણસો ઉપર રીસ ક્‌હાડવી એ બાયલું કામ સરસ્વતીચંદ્રના સુગન્ધનો રસિક પુરુષ નહી કરે. જે નરને લાખો રુપીયાની લક્ષ્મીને લાત મારતાં આવડી તેનો સહવાસી ચંદ્રકાંત શ્વાનની ચાટેલી ભાખરીના કડકા સારુ ભસાભસ ને બચકાબચકી નહી કરે.”