પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯


“તમે ક્‌હો છો કે એક કુટુમ્બનાં અવયવીભૂત મનુષ્ય પરસ્પર ઉપકાર કરવા મથે એ ઉચ્ચગ્રાહ નમાવવા યોગ્ય નથી.”

“પ્રથમતો એ તમારો પરોપકારક સંપ્રદાય – altruism - ધુમાડાના બાચકા જેવો છે. એ સંપ્રદાય માત્ર નામનો છે, જેમ ननान्दा શબ્દને જન્મકાળે આ સંપ્રદાયનો આચાર સસલાનાં શીંગડા જેવો હતો તેવોજ આજ છે, એ ઉચ્ચગ્રાહ Utopia જેવો છે, તમારા કે કોઈના ઘરમાં હું તે દેખતો નથી. માત્ર તમારા જેવા કોઈકના મનેરાજ્યમાં તે હશે.”

“બીજું એ ઉચ્ચગ્રાહ અશાસ્ત્રીય છે. અર્થશાસ્ત્રથી એ વિરુદ્ધ છે. દ્રવ્યની ઉત્પત્તિ અને વૃદ્ધિ ગુરુત્તમ થવાનું શાસ્ત્રીય સાધન એ છે કે દરેક મનુષ્યમાં પોતાનો શ્રમ અને પોતાની બુદ્ધિ એ ઉભયને અત્યંત કસવાની વૃત્તિ અને શક્તિ ર્‌હેવી અને વધવી જોઈએ, અને શ્રમ લેનાર અને બુદ્ધિ વાપરનાર મનુષ્યને પોતાના પ્રયત્નનું સંપૂર્ણ ફળ જ્યાં સુધી મળતું નથી ત્યાં સુધી આ વૃત્તિ અને શક્તિ વિકાસ પામતી નથી. એક જણ પરસેવાનાં ટીપાં ઉતારતો કમાય અને તેનો ફલપ્રવાહ બીજા મનુષ્યો ઉપર ઢોળાય એ આપણાં સામાજિક કુટુમ્બનો ન્યાય છે, અને શ્રમજીવન અને બુદ્ધિજીવનથી થતા દ્રવ્યવિકાસને જે શક્તિ અને વૃત્તિનો વિકાસ કેવળ કારણરૂપે આવશ્યક છે તે કારણનો આ તમારો કુટુમબન્યાય જડમૂળથી પ્રધ્વંસ કરે છે ! માઈ ડિયર ચંદ્રકાંત, તમારાં કુટુમ્બના ન્યાયથી તમારું ચિત્ત વ્યગ્ર થઈ ગયું છે, તમારું શરીર જર્જરિત થયું નથી પણ થશે, અને એ કુટુમ્બ તમારાં આધિરૂપે, વ્યાધિરૂપે, અને ઉપાધિરૂપે તમને ચારે પાસથી ચટકા ભરે છે તેની વેદના સામે તમારા જ્ઞાનતંતુને જડ કરવા જ્ઞાનમાર્ગ અને “ફીલસુફી” ની ભાંગ તમે પીયો છો તે વ્યર્થ છે એ નક્કી જાણજો. તમારો દમ્ભ કદાચિત થોડા દિવસ ટકશે તો અંતે તે તમને દગો દેશે, અને તમારો પરિણામ ગમે તે થાવ પણ તમારા અસંખ્ય દીન સ્વદેશી મનુષ્ય આ જ્ઞાનમાર્ગ કેવી રીતે મેળવશે અને મળતાસુધી તેમનો કચ્ચર ઘાણ કેવો વળી જશે તેનો તે વિચાર કરો ! જ્યાં સુધી આ જંગલી કાળના કુટુમ્બોના આ શમ્ભુમેળા વેરણછેરણ થયા નથી ત્યાં સુધી ચંદ્રકાંત જેવાં રત્ન ઉપરનો કચરો સાફ થાય એ આશા વૃથા છે અને એવા પુરુષોની શક્તિ ઉપર આધાર રાખનાર માણસો ઢોર પેઠે ચંદ્રકાંતના બીડમાં ચારો ચરશે અને ખેતરોની ઉપયોગી વાડો તોડશે, ગાયો અને ભેંસો જેટલું દુધ નહી દે,