પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧

સ્થાને મલિનતા અને ક્ષોભ આમ રોગપ્રકોપ પેઠે નિષ્કંટક વર્તે છે ત્યાં નીતિનું રાજ્ય છે એવું ક્‌હેવા કીયો અનુભવી છાતી ચલાવે છે ? ઈંગ્રેજી કુટુમ્બોમાં આવા કુટુમ્બકલહનો સંભવ જ દૂર છે; ત્યાં માતાઓને પુત્રી અને વધૂ વચ્ચે પક્ષપાત કરવાનો અવકાશ જ નથી, ત્યાં કમાનારની કમાઈના ચોર ઘરની ભીતર ભાગમાં જ સરજી મુકેલા હોતા નથી; ત્યાં પતિપત્નીનો પ્રેમ અને બાલવયનાં બાળક અને તેમનાં માતાપિતાવચ્ચેની વત્સલતા શીવાય બીજાં ત્રાહીત મનુષ્યોની ખટપટ હોતી નથી, અને પરિમિત સંખ્યાવાળું અને પરસ્પરાનુકૂળ સ્વાર્થવાળું આવું ઈંગ્રેજી કુટુંબ ગૃહસંસારની નીતિ અને શાંતિ અનુભવે છે; ચોરી, લબાડી અને પરસ્પર વિનાશની રાગદ્વેષ ભરેલી કળાઓને અવકાશ આપતું નથી, અને ન્હાના ઝુંપડાંઓમાં પણ ઈન્દ્રપુરીના વૈભવ જેટલું સુખ આપનારી કળાઓને ખીલવે છે. પાંચ હજારની કમાઈવાળો હીંદુ જે વૈભવ ભોગવતો નથી અને જે સુખ, શાંતિ અને નીતિ એક પાસ પણ જોઈ શકતો નથી તે પચાસ રુપીઆની કમાઈવાળો યુરોપીઅન પોતાના રંક ઝુંપડાની અંદર અને પોતાની ચારે પાસ સહેલાઈથી રાત્રિદિવસ ખડાં કરી શકે છે અને તેના આનંદથી તે રાત્રે નથી ફુલતો એટલો દિવસે ફુલે છે અને દિવસે ફુલતો નથી એટલો રાત્રે ફુલે છે ! તેની શરીરસંપત્તિ, તેનો આનંદ, તેનો પ્રેમ, તેનો ધર્મ, અને તેની નીતિ – એ સર્વને માટે એને અવકાશ છે અને તેને આંચ આવવા દેનાર કૌટુમ્બિક શમ્ભુમેળાનું નામ તેને ખબર નથી ! એ નર સામાજિક માળાનો મણિકો નથી, જ્ઞાતિ કે જાતિની વ્યક્તિ નથી, કુટુમ્બસંકર બાવળમાંનો કાંટો નથી, પણ એ દૈશિક વાડીમાનું ફુલ છે અને વગર જાતિનો અને વગર કાંટાનો બે અર્ધાંગનો સર્વાળો એક-કુટુમ્બ-રૂપ વૃક્ષ તે પોતેજ છે ! પ્રિય ચંદ્રકાંત, તમે એ લોકના પ્રદેશમાં જન્મ્યા હત તો જુદા જ ગૃહરાજ્યમાં દીપતા હત ! જે જીવો તમારા ઘરમાં કુટુમ્બભાર થઈ જાતે ભ્રષ્ટ થાય છે અને બીજાને ભ્રષ્ટ કરે છે તે પણ ઈંગ્રેજી ભૂમિમાં જન્મયા હત તો જાતે પુણ્યશાલી થયા હત અને બીજાંનાં પુણ્યના કારણભૂત થયા હત ! સ્વાર્થ, પરમાર્થ, અને દેશોન્નતિ – એ સર્વે સૃષ્ટિની એકત્ર ઉદ્ભાવના જ્યાં આમ થઈ શકે છે એવી આ પાશ્ચાત્ય ગૃહસ્થિતિમાં સન્નીતિ છે કે સરસ્વતીચંદ્ર અને ચંદ્રકાંત જેવા કલ્પવૃક્ષનો નાશ કરી નાંખે એવા - તીડોનાં વાદળાંથી ભરેલા – આપણા કુટુમ્બમેળાઓમાં સન્નીતિ છે એ પ્રશ્નનો ઉત્તર આપતાં શુદ્ધ નિર્ણય કોને નહી સુઝે!