પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫

બુદ્ધિમાન પુત્રોને પણ મૂર્ખ પિતાઓની મૂર્ખતા અને દુષ્ટતાનું દાસત્વ કરવું પડે છે અને એ પુત્રોની સ્ત્રીઓને અનેક રાગદ્વેષથી ભરેલી સાસુઓ, નણંદો વગેરેની યમદંષ્ટ્રામાં નિરંતર વાસ કરવો પડે છે. હાલના આપણાં કૌટુમ્બિક નીતિશાસ્ત્રનું અથવા અનીતિશાસ્ત્રનું આ પરિણામ છે અને એ શાસ્ત્રને લત્તાપ્રહાર કરી ઉદ્ધતલાલે લોકકલ્યાણના શુદ્ધ શાસ્ત્રનો આચાર પોતાના કુટુમ્બમાં આરંભ્યો છે.

મ્હારા પિતાએ મને વિધાભ્યાસ કરાવવા જે દ્રવ્ય-વ્યય કર્યો તેને લોક મ્હારા ઉપર ઉપકાર ક્‌ર્યો ક્‌હે છે. તમારાં ન્યાયાસનો આગળ મનાતા જીમૂતવાહનના સંપ્રદાય પ્રમાણે બાળકને વિધાભ્યાસ કરાવવા પિતા જે દ્રવ્ય ખરચે તે માતાએ આપેલા ધાવણની જોડે સરખાવેલું છે. વિદ્યાભ્યાસ પામવા માટે પિતાનો જે ઉપકાર માનવાનો છે તે ધાવણ આપનારી માતાના ઉપકારથી અધિક નથી. જાતે ઉત્પન્ન કરેલા બાળકને ધાવણ આપવું તે જાતે વાવેલા બીજના છોડને પાણી સિંચવા જેવું છે. પાણી સિંચવાનું કૃત્ય બીજ વાવવાની ક્રિયાને અંગે લાગેલું છે અને ધાવણ આપવાને જનનીધર્મ પુત્રોત્પત્તિને અંગે વળગેલો છે. પ્રજા ઉત્પન્ન કરવાનું જે જનની સમજે છે પણ ધાવણ આપવાનું સમજતી નથી તે જનની પોતાના ધર્મથી ભ્રષ્ટ થાય છે અને માતાનો ઉપકાર ધાવણ આપવાને માટે માનવાનો નથી, પણ જન્મ આપવાને માટે હોય તો તે યોગ્ય થાય. જે જનની બાળકને જન્મ આપી તેનો સંસાર દુ:ખમય કરે છે તે જનનીએ આપેલો જન્મ ઉપકારરૂપ નથી, પણ અપકારરૂપ જ છે; એ જન્મ માતાએ પ્રીતિભાવે આપ્યો ગણવાનો નથી, પણ શત્રુભાવે આપેલો ગણવાનો છે. વિદ્યાનું ધાવણ જે પિતા આપતો નથી તે પિતા આ જ ન્યાયે શત્રુ છે, અને વિધા આપે તે માટે તેનો ઉપકાર માનવાનો નથી, પણ જે જન્મ આપીને તેને સફળ કરવા પિતાએ પ્રયત્ન કર્યો હોય તે જન્મને માટે તેટલા પ્રયત્નના પ્રમાણમાં તેનો ઉપકાર માનવો યોગ્ય છે અને એટલા પ્રયત્નના પ્રમાણમાંજ એની પ્રીતિ વસ્તુરૂપ ગણવી. બાકી જીવતા પુત્રની સામે શત્રુભાવના પ્રયત્ન કરી, પુત્ર મરતાં પિતા રડવા બેસે એ રડવાને પ્રીતિ ગણવી તે તો ભસ્મને અગ્નિ ક્‌હેવા જેવું છે. લક્ષ્મીનંદન હવે કલ્પાંત કરે છે તે આવા જ પ્રકારનું છે. મ્હારાં માતાપિતાએ વિદ્યાદાન શીવાય બીજું જનકકૃત્ય મ્હારા પ્રતિ કરેલું નથી. ન્હાનપણમાં મ્હારું લગ્ન કર્યું તે પણ શત્રુકૃત્ય