પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮

નાંખી ચોખું કરવા મહાન વિગ્રહ માંડે છે. તરંગશંકર સ્ત્રી ઉપર પક્ષપાત કરે છે, પણ કુટુંમ્બને દૂર નથી કરી શકતો, અને કવિત્વે પ્રકટેલો રસપ્રકાશ સંસારમાં મેળવી શકતો નથી. ગંગા ! પાર્વતીથી શિવજીનું અપમાન ન ખમાયું – તેવો જ પાર્વતીના જેવો ત્હારામાં ગુણ છે; સ્વામીને માટે ત્હારા હૃદયમાં રસ છે; ત્હારા સ્વાર્થની ધુળથી તે ઢંકાયો છે અને એ ધુળ ઝાપટી નાંખવાની સાવરણી ઘરમાં વસાવવા દ્રવ્ય જોઈએ તે ચંદ્રકાંત પાસે નથી."

નવી સૃષ્ટિનું દર્શન થતાં અને એ સૃષ્ટિનું હાર્દ સમઝાતાં સરસ્વતીચંદ્રનું શરીર કંપવા લાગ્યું, અને તેના ચિત્તમાં નવા ચમકારા થવા લાગ્યા. હૃદયમાં પ્રકટેલા વિચારો મુખગાનમાં સ્ફૂરવા લાગ્યા.–“આહા !”

ચંદ્રકાંત અને તરંગશકરની દશા સ્મરી બોલ્યો, બોલી બોલી લખતો ગયો.

નર-રત્ન કંઈ કંઈ ગુપ્તપણે
બહુ આધિ વ્યાધિ ઉપાધિ સહે;
જનરંકની ત્યાં કરવી શી કથા?
ધનરાશિ નિરર્થક મુંજ પડ્યા !

વળી અટકી, વળી ગાવા લાગ્યો.

નરરત્ન કંઈક દરિદ્રદશા–
તણી ધુળ તળે ઢંકાઈ રહ્યાં;
નરરત્ન વિશોધન ના જ બને;
ધન-સાધન મુજ અસાધક ર્‌હે!

વળી ઉંચું જોઈ બોલ્યો.

નરપીયૂષશોધન ના જ બને;
ધન ઐાષધિ મ્હારી નકામી રહે !

વળી ઉભો, ઉદ્ધતલાલ અને ચંદ્રકાંતને સરખાવવા લાગ્યો.

નરવ્યાઘ્ર કંઈ મુજ દેશ વીશે
દુખપંજર માંહીં પુરાઈ રહે;
શૂરબન્ધનમોક્ષ ન કોઈ કરે;
ધિક નિષ્ફળ મુજ સઉ ધનને!

ગંગા સ્મરણમાં સ્ફુરી.