પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨

સહીપણાં માંડ્યાં ત્યારે બધુંયે ક્‌હેવું પડશે ને એ ક્‌હેવાનું તો હજી ઘણું છે.

કુ૦- લ્યો ક્‌હો. તમને ક્‌હેતાં થાક નહી ચ્હડે તો મને સાંભળતાં શો થાક ચ્હડવાનો છે ?

સુ૦- તું જાણે છે કે વાસના મારવાનું કામ સ્હેલું છે. પણ એના જેટલું વિકટ કામ કંઈ નથી. ઋષિ મુનિ અને બ્રહ્માદિક લોકે એનાથી પરાભવ પામી ભુલો ખાધી છે.

કુ૦ – પણ એ તો તમે પુરુષોની વાત કરી. એ વાસના ગમે તેવી વિકટ હશે, છતાં જગતમાં સતીઓ કેટલી બધી થઈ ગઈ છે ? હું ધારું છું કે આ વાસનાને જીતવામાં પુરુષોના કરતાં સ્ત્રીઓ વધારે ફાવી હશે, તેથી જ્યારે પુરુષોમાં મ્હોટા મ્હોટાની ચુક ગણાઈ છે ત્યારે સ્ત્રીઓમાં મ્હોટાં મ્હોટાંનું સતીપણું ગણાય છે.

સુન્દરને ભત્રીજીની બુદ્ધિ ઉપર વ્હાલ ઉપજ્યું ને બોલી.

“બેટા, ત્હારામાં અનુભવનું કામ સારવા ઈશ્વરે બુદ્ધિ આપી છે. સતીઓ વધારે થઈ છે તેના અર્થ તો બે થાય. એક ત્હેં કહ્યો તે. અને બીજો એવો થાય કે પુરુષો ઘણું ખરું સારા હોય છે ને માત્ર ભુલો કરનારા આંખે ચ્હડે છે, ત્યારે સ્ત્રીયો ઘણી ખરી નઠારી હોય છે ને તેમાંથી માત્ર થોડી સારી નીવડનારીઓ છે તેથી તેમનાં દૃષ્ટાંત લેવાય છે. આવો યે અર્થ કરનાર કરે, ને પુરુષોની બોલીમાં ને પુસ્તકોમાં લોક આપણ સ્ત્રીયોને ગાળો દેતા આવ્યા છે કે સ્ત્રીયો જાતે નઠારી તેથી પુરુષ ફસાય છે. હવે ખરી વાત જોઈએ તો આમાં કંઈક સાચું છે ને કંઈક ખોટું છે.”

કુ૦– "કેવી રીતે ?"

સુ૦– "વાસના તો ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બેમાં મુકી છે. પણ સ્ત્રીની વાસનાને માથે કેટલાક અંકુશ ઈશ્વરે મુક્યા છે ને કેટલાક લોકે મુક્યા છે. સ્ત્રીને લજજાનું ભૂષણ છે તે જ એની વાસનાનો અંકુશ છે. જે સ્ત્રી લજ્જાવતી છે તેની વાસનાને બ્હાર ફુટી નીકળતાં મહાપ્રયત્ન પડે છે. માટે આ લજ્જાનું પોષણ કરવું એમ જ સ્ત્રીને પોતાની જાતનું અભિમાન હોય છે અથવા પોતાના કુળનો વિચાર હોય છે તે સર્વે આ વાસનાના અંકુશ છે."

કુ૦– "ત્યારે શું સ્ત્રીયો આ અંકુશને વશ છે તેથી સારી છે અને તેનું પોતાનું જાતબળ નથી ?"