પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮


“મ્હારાં કાકી સુન્દર, તેમને બોલાવું?”

"હા. ખુશીથી.”

સુન્દરને કુસુમ બોલાવી આવી. સઉ બેઠાં. ફ્‌લોરા બોલી “આ... વો...જી.. ખુશી છો ?”

સુન્દર– “હા. કુસુમ તમારાં બહુ વખાણ કરે છે.”

ફ્‌લો૦- “એમની.. મ્હારા.. ઉપર.. માયા-છે.”

સુ૦– “કુસુમ, મડમ સાહેબ કુમુદ જેવું મધુર અને ઝીણું બોલે છે.”

કુ૦– “હા, પણ એમને મડમ સાહેબને ઠેકાણે ફ્‌લોરા બ્હેન ક્‌હેવાનું ગમે છે – ફ્‌લોરા એટલે ફુલ, અને કુસુમ એટલે પણ ફુલ. અને બે જણ કુમારાં.”

સુ૦– “વારું, ફ્‌લોરા બ્હેન તમે કુમારાં કયાં સુધી ર્‌હેશો? કુસુમને તો હવે પરણવું પડશે.”

ફ્લો૦– સુન્દરકાકી, - અમે, તો બાળક છીએ ને તમે મ..હોટાં. મ્હોટાં છો. પરણવું હોય તે પરણે. ન પરણવું હોય તે ન પરણે. સઉ ગમવા, ન ગમવાની વાત. કુસુમબ-હે-ન-કુસુમબ્હેન-ને ગમે તો પરણે. મને ન ગમે તો ન પરણું.”

સુ૦– “પણ તમે એને પરણવાની શીખામણ આપો. એની મા બહું ચિંતા કરે છે.”

ફ્‌લો૦– “એમની કેળવણી પુરી થાય અને એમને પ્રીતિ થાય ત્યારે પરણે.”

કુ૦– “કાકી, એ તો અવળે ઠેકાણેથી મદદ માગી. એમના આચાર- વિચાર આપણાથી જુદા; ત્યાં તમે ન ફાવો. પણ ચાલો હું, તમને સંતોષ અપાવું 'ફ્‌લોરા બ્હેન, તમારે ત્યાં સ્ત્રીનું મન પ્રીતિથી દૂર ક્યાર સુધી ર્‌હે છે ?”

ફ્‌લો૦- “પ્રીતિની સૃષ્ટિ ઈશ્વરના હાથમાં છે.”

કુ૦- “પણ સ્ત્રી ધારે તે કુમારિકા થઈ શુદ્ધ રહી શકે કે નહી ?”

ફ્લો૦- “અલબત રહી શકે. જેને ઉદ્યોગ છે અને.. ઈશ્વરનું ભય છે.. તેને ઈશ્વર.. મદદ આપે.. છેજ.”

સુ૦– “પણ વીલાયતમાં સ્ત્રીયો તમારા જેવા ઉદ્યોગ કરી શકે છે. અમારા દેશમાં તેમ નથી.”

ફ્‌લો૦– “યેસ્. એ ફેકટ – એ વાત ખરી. પ...ણ.. પ્રધાનજી દ્રવ્યવાન્ છે, બળથી પુત્રીને પરણાવવી એ અમારા લોક પાપ ગણે છે.