પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩


મલ્લમહાભવનનો મંત્રી એક ગ્રન્થ એક ટેબલ પરથી લાવ્યો અને તે ઉઘાડી એક ભાગ ચન્દ્રકાન્તને આપ્યો તેમાં વિદ્યાચતુરના હાથનો એક લેખ હતો કે “રાજ્ય એટલે પૃથ્વી એવું મલ્લમહારાજ સમજતા ન હતા. તેમની ઉદારબુદ્ધિમાં પૃથ્વી તૃણતુલ્ય હતી. રાજ્ય એટલે રાજત્વ અથવા રાજગુણોનો સમુદાય એવી તેમની બુદ્ધિ હતી. જેમ પૃથ્વી ઉપર એકલા જળને બળે તૃણ પોતાને કાળે ઉગે છે તેમ પૃથ્વી ઉપર એકલા રાજત્વને બળે રાજસત્તા યોગ્ય ઋતુમાં ઉગે છે. એ સત્તાને લોક રાજ્ય ક્‌હે છે, પણ સત્ય જોતાં રાજત્વ સામાન્ય મનુષ્યો કરતાં રાજાઓમાં વિશેષ છે, અને રાજશબ્દ ઉપરથી થયેલું રાજત્વ, તે જ રાજ્યનો અર્થ છે. પૃથ્વી તો થયલા અને થનાર રાજાઓની ધર્મશાળા છે, ક્ષેત્ર છે. રાજત્વ તે ધર્મશાળામાં નવી નવી પ્રજાઓને ભરે છે. રાજત્વ તે ક્ષેત્રમાં સત્તાનો ફાલ ભરે છે. મ્હોટા ક્ષેત્રમાં પાક ઓછો થાય અને ન્હાનામાં ઘણો થાય. તેમ પૃથ્વીનો વિસ્તાર ઓછો હોય એવા ન્હાના પ્રદેશમાં મ્હોટા પ્રદેશ કરતાં વધારે ફળ ભરનાર રાજત્વ વધારવું તે પણ રાજ્ય વધારવા જેવું જ છે. ઈંગ્રેજી સામ્રાજ્યનાં અંશભૂત દેશી સંસ્થાનોમાં આમ રાજત્વ વધે તો તેપણ રાજ્યયોગની જ વૃદ્ધિ છે. માણ્ડલિક રાજાઓની આ વૃદ્ધિ ચક્રવર્તીને લાભકારક છે, અને આવી રાજ્યવૃદ્ધિ કરવામાં દેશી રાજાએ નહી ફાવે તો તે દોષ ચક્રવર્તીનો સમજવો નહી, પણ દેશી રાજાઓ ઉપર માદ્રીએ ઉપજાવેલા મોહનું જ તે કાર્ય સમજવું.”

ચંદ્રકાન્ત આ ઉત્તરથી સજડ થઈ ગયો. વીરરાવનો ઉન્માદ શિથિલ થઈ ગયો. ઉભય ગૃહસ્થ જિજ્ઞાસાના જ સેવક થઈ ગયા.

ચંદ્ર૦- આવાં પુસ્તક કેટલાં છે ને તેનો શો ઉપયોગ થાય છે ?

વીર૦– આ જમણા ખુણામાં મ્હોટું આસન શા ઉપયોગમાં આવે છે ?

વિદ્યા૦- પ્રત્યેક ભવનમાં આવાં પાંચ પુસ્તકો હોય છે. એક પુસ્તકમાં વૃદ્ધ મહારાજની સૂચનાઓ સ્મરણમાં આણી હું લેખ લખું છું. બીજા પુસ્તકમાં આયુષ્યમાન્ મહારાજ – પોતાના વિચાર, અનુભવ, અને વિદ્યા વધે છે તેમ તેમ પોતાના ભાવી કાળના અને અનુયાયીઓના ઉપયોગને માટે – પ્રસંગે પ્રસંગે લેખ લખે છે. ત્રીજું પુસ્તક કોરું છે તે ભરવાનું રત્નનગરીના ભાવી રાજાએ.ચોથું પ્રધાનોએ પોતાના અનુભવ લખવા માટે, અને પાંચમામાં આ ભવનનો સાક્ષર મન્ત્રી આ ચારે પાસની પુસ્તકશાળામાનાં પુસ્તકોમાંથી ઉતારા, સૂચન, વગેરે મહારાજશ્રીના ઉપયોગને માટે, સંક્ષેપમાં લખે છે. આ જમણા ખુણામાં મહારાજશ્રીને માટે વિચારણાસન છે. આ મહાભવનના પ્રત્યેક ભવનમાં આ જ મન્ત્રી, આવાં પુસ્તક, અને આવાં આસન છે.