પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૧

ધર્મરાજા વિના ત્હારે માથે મ્હોટો ભાઈ નથી. પણ તેની આજ્ઞામાં રહી પાંચાલીના દુઃખનું નિવારણ કરવું અને વાયુપેઠે એના શત્રુઓને સર્વતઃ સ્પર્શ કરવો એ ત્હારું કર્તવ્ય છે. માતાને, ધર્માદિ ચાર બન્ધુઓને, લાક્ષાગૃહમાંથી અને રાક્ષસોમાંથી ઉગારી ખભે લઈ વાયુપેઠે વહનાર બળ તે તું જ છે.”

વિદ્યા૦- આ વૃદ્ધ મહારાજે લખાવેલો લેખ છે. લેખસ્તમ્ભની બે પાસ માત્ર ટુંકા જ લેખ છે.

“જયેષ્ટ બંધુને પુછ્યા વિના ચાલીશ નહી” એવો લેખ ધર્મભવન ભણી હતો. “પાંચાલી પાછળ છે તેના ઉપર સતત દૃષ્ટિ રાખી તેના શત્રુઓ ભણી સર્વદા જાગૃત ર્‌હેજે.” એવો લેખ બીજી પાસ હતો.

વિદ્યા૦– ધૃતરાષ્ટ્ર એ રાજાઓનો દેહ છે. દુર્યોધન એ રાજાના દેહને હાથે ઉત્પન્ન થયેલો, રાજાના શતપુત્રો - ભાયાતો અને મિત્રોના હાથમાં ગયેલો, રાજ-નય – Royal policy – છે. દુઃશાસન એ રાજાના હાથમાં દુષ્ટ પ્રજાને શિક્ષા કરનારી દંડશક્તિ છે. એ ત્રણ પુરુષ ધર્મરાજાનું રાજ્ય ખૂંચવી લઈ પાંચાલીનો જ પરાભવ કરવા પ્રવર્તે, ત્યારે આ ચર્મચક્ષુને સમીપ લાગતા આ શત્રુઓને માટે ગદારૂપ શસ્ત્ર લેઈ ભીમમૂર્તિ ઉભી છે. આ ભવનનાં પુસ્તકોના લેખો એ વિષયોને ઉદ્દેશી છે. આ ખંડમાં તમે ચાર વિચારણાસન જોશો. પ્રથમ આસન ભીમમૂર્તિની પાછળ છે તેમાં બેસી મહારાજ પોતાના ચારપુરુષો - spies – ની આ વિષયની વાતો સાંભળે છે, વર્તમાનપત્રો વાંચે છે, અને એ, એવી જાતનાં સાધનો વડે મૂર્તિ પાછળના દ્વારમાં દેખાતા પાંચાલીભવન પર દૃષ્ટિ નાંખી, પ્રજાનાં દુઃખો જોતા ર્‌હે છે, અને પોતાના દેહરૂપ ધ્રુતરાષ્ટ્રનાથી જાણ્યે અજાણ્યે તેમ દુર્યોધન - દુઃશાસનાદિ ધૃતરાષ્ટ્રના અનેક પુત્રોને હાથે પાંચાલીના કોમળ તનમનને ક્યાં ક્યાં વેદના થાય છે તે જોતા ર્‌હે છે, અને નગરચર્ચાના વિચાર પણ ત્યાંજ ઘડાય છે. બીજું આસન આ ખુણામાં છે તેમાં બેસી વૃકોદરના પોષણનો વિચાર કરે છે. રાજ્યબળનું ઉદર પોષવાને, રાજ્યસેવકોનું ઉદર પોષવાને, અને દુઃષ્કાળદિ કાળે એ ઉદર ભુખે મરે નહી માટે, અનેકધા મહાન્ અન્નરાશિ–દ્રવ્યરાશિ–જોઈએ તે સંચયની રક્ષા અને વ્યવસ્થા આ આસનમાં વિચારાય છે. અમારા રાજ્યનાં Store- keeper અને સેનાના Commissariat ની વ્યવસ્થા એ જ સ્થાને થાય છે. આ પ્રમાણે વિરાટ રાજાના ખાઉધર રસોઈઆની આ સ્થાને સંભાળ લેવાય છે. દુર્યોધન અને દુ:શાસન આદિનાં ક્યાં ક્યાં અંગ પાંચાલીને