પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૩

આટલા મહાન્ અને ચિત્ર સમુદાયમાં સરસ્વતીચંદ્ર મને શોધવા ન ઉભો હોય ? શું એ સઉમાં એના સમાચાર આપનાર કોઈ નહી હોય ?

ખીસામાં હાથ મુકી આળસ મરડે છે ત્યાં તેમાંથી હાથમાં બે ચાર પત્ર આવ્યા. એ પત્ર વાંચેલા હતા. તે પાછા મુક્યા.

"મુંબઈમાં ગંગા એટલી માંદી છે કે મ્હારી ત્યાં જરૂર છે. ભર્યા ઘરમાં તેના તનમનની આ પ્રસંગે કોઈ સેવા કરનાર નથી એમ સંસારીલાલ લખે છે, ને કીકી લખે છે કે તમે નહી આવે તો મ્હારી બા મરી જશે."

"કારકુન લખેછે કે મુંબાઈ છોડ્યાથી મ્હારો ધંધો ધુળધાણી થઈ જવા ઉપર છે અને ઘરમાં ખરચની વ્યવસ્થા જુદી જ છે."

"સરસ્વતીચંદ્રના કરતાં આ વાત વધારે નથી – પણ ગંગા મરે તે તો કાળજે ધક્‌કો લાગે - આવે પ્રસંગે હું ત્યાં ન હઉં તો ઈશ્વરનો અપરાધી થાઉં – પણ એનો મંદવાડ ક્યાં સુધી પ્હોંચશે તે ક્‌હેવાતું નથી અને આ શોધ કરવાનું પડતું મુકવું એ તો ચંદ્રકાંતથી નહી થાય."

માથે ટોપી હતી તે નીચે હાથ ઘાલી વાળમાં આંગળી ઘસતો ઘસતો તે કોટની ભીંત ઉપર આવજા કરવા લાગ્યો. થોડી વારમાં પ્રવીણદાસ અને શંકરશર્મા ઉપર આવ્યા. હાથ મેળવી વાતો કરતા સર્વ એક બુરજની અગાશીમાં ગયા. સર્વ રવેશ ઉપર બેઠા. ચંદ્રકાંતના મનની દોલાયમાન સ્થિતિ સર્વ સમજ્યા અને તેનું કારણ પુછવા લાગ્યા.

ચંદ્ર૦- આપને વિદિત છે કે સરસ્વતીચંદ્રના શોધને માટે હું અત્ર આવેલો છું. આણી પાસ આવ્યો ત્યારે એ શોધ કર્યા વગરનો હતો તેવોજ હજી સુધી છે. ઘરમાં મંદવાડ છે ત્યાં પણ મ્હારી જરૂર છે. મને લાગે છે કે હવે મ્હારે આપનાથી જુદાં પડવું જેઈએ.

શંકર૦– આપ કેણી પાસ જવા ધારો છે ?

ચંદ્ર૦– ઘરમાં મંદવાડ છે તેની તો મિત્રોની સહાયતાથી વ્યવસ્થા કરીશ; પણ મિત્રરત્નનાં શોધ માટે નીકળ્યો છું તેમાં આપ શો આશ્રય આપી શકશો તેની જિજ્ઞાસા આજ સુધી અતૃપ્ત રહી એટલે હવે ઈશ્વરે આપેલાં હાથપગ ચાલે તેણી પાસ ચલવવા કલ્પના છે.

શંકર૦– અમે શો આશ્રય આપીશું પુછો છો તેમાં અમે એટલે આ શરીર કે આ રાજ્ય?