પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬

કુમુદસુંદરીની પાસથી સ્વર નીકળ્યો :

[૧]"गेहे गेहे जंगमा हेमवल्ली"

વિષ્ણુદાસની પાસથી સ્વર નીકળ્યોઃ

[૨] "मार्गे मार्गे जायते साधुसङ्ग"

સરસ્વતીચંદ્ર સ્થિર થઈ ચિત્ર પેઠે ઉભો. પ્રતિમાઓ અદૃશ્ય થઈ માત્ર સ્વર સંભળાવા લાગ્યા.

[૩]"क्षणमपि सज्जनसंगतिरेका
"भवति भवार्णवतरणे नौका।"

આ પરસ્પરવિરુદ્ધ સ્વરો વચ્ચે ગુંચવાતાં સરસ્વતીચંદ્ર પાછો ફર્યો અને આશ્રમ ભણી ચાલવા લાગ્યો. થોડી વારમાં કુમુદસુંદરીની પ્રતિમા તેની પાસે આવી જોડે જોડે ધીમે પગલે ચાલવા લાગી, અને ઉપડતે પગલે ગાવા લાગી. ગાતી ગાતી સાથે ચાલી – પગ ઉપાડવા લાગી.

“લીધો લીધો ભગવો વ્હાલે ભેખ, સુંદર થયો જોગી રે,
“મને વ્હાલો લાગે એનો વેશ, થયો બ્રહ્મભોગીરે. લીધો૦
“ચંદ્રજોગીની સાથ કુમુદ જોગણ થઈ ચાલી રે !
“વ્હાલા ! પ્રીતિનો સાજીશું મેલ, રમીશું મ્હાલી રે. લીધો૦
“રુડા સુન્દરગિરિને કુંજે, લીલી છે લીલોતરીરે,
“શીળી છે છાંય; બેસી ત્યાં શોકસમુદ્ર જઈશું તરી રે. લીધો૦
“પેલા પત્થર બે દેખાય, વચ્ચે શિલા સાંકડી રે
“સમાઈત્યાં બે બેસીશું કાલ, કરીશું જ્ઞાનગેાઠડીરે. લીધો ૦
“જુઠા જગનો કીધો છે ત્યાગ; સાચો રસ ઝીલીશું રે
“એમાં ન મળે આળપંપાળ, અદ્વૈતથી રીઝીશું રે. લીધો.”

ગાનમાં લીન થઈ, પ્રતિમાને હાથ ઝાલવા અને તેને પ્રશ્ન પુછવા જતો સરરવતીચંદ્ર છેતરાયો; કોઈ હાથમાં આવ્યું નહીં, પ્રતિમા અદૃશ્ય થઈ અને તેને સટે વચ્ચે આવતી મ્હોટી શિલાનો પડદો દૃષ્ટિ આગળ ઉભો.


  1. ૧. "ઘેરે ઘેરે સોનાની વેલ જંગમં દીપેરે” શુંકરંભાસંવાદ.
  2. “માર્ગ માગે સાધુનો સંગ સાધુને થાયરે.” શુકરંભાસંવાદ.
  3. ક્ષણ પણ સજ જન-સંગતિ થાય,
    ભવજળ તરવા નૌકા થાય - શંકરરવામી