પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૮

પ્રહારથી નમી ગયું. નવા ઉંડા વિચારમાં પડી જઈ તે ધીમી ધીમી ચાલવા લાગી. તેના મનના પ્રબળ તાપને દેખી બ્હારનો તાપ હારી જતો હોય અથવા એવા તાપવાળી સુન્દર બાળાને વધારે તાપ ન આપવો એવી સૂર્યને કે મેઘને દયા આવતી હોય - તેમ એક વાદળું સૂર્યની નીચે આવી ગયું, અને કુસુમના મ્લાન શરીર ઉપર છત્રની છાયા થઈ.

“શકુન તો બહુજ સારા થાય છે” – મ્લાનિ ત્યજી કુસુમ કાકીની પાછળ ગઈ અને શકુનદર્શક આશીર્વાદ હૃદયમાં ઉભેલા સત્વના મુખમાંથી નીકળતા સાંભળતી સાંભળતી લ્હેમાં ને લ્હેમાં સ્વગૃહમાં ચાલી. તેના હૃદયને આજ એ સત્વ પ્રથમ દેખાયું અને જે ખંડમાં સરસ્વતીચંદ્રના મુખમાંથી ભાષણ સાંભળ્યું હતું ત્યાં, તેના જેવો સ્વર ધારી, એ સત્ય ક્‌હેવા લાગ્યું.

“સૌંદર્યોદ્યાનના સુન્દર કુસુમ ! ત્હારું ભાગ્ય રાત્રિવિકાસિ કુમુદ જેવું નથી. આ દેશકાળને અપરિચિત સ્વતંત્રતાની જે વાસના ત્હારામાં જન્મી છે તે વાસનાનો પિતા હું છું, એ વાસનાના બીજનું આજ સુધી ગુપ્ત એકાંતમાં ત્હારા ઉરમાં જગતથી અદૃષ્ટ રક્ષણ અને પોષણ ત્હેં કર્યું છે. ત્હારા જેવી જેની માતા અને મ્હારા જેવો જેનો પિતા એ વાસનાને શાનું ભય છે ?”

પોતાની વાસનાને માથે આવાં “માતાપિતાની” કલ્પનાથી કુસુમ કમ્પી – એ કલ્પનાજ એ વાસનાને ભયંકર લાગી. તે ભયથી એ કમ્પવા માંડે છે ત્યાં ગૃહમાં એક બારીએ વિદ્યાચતુર એકલો ઉભો ઉભો કાંઈ રાજધસંબંધી વિચાર કરતો દીઠો. કુસુમને દૂરથી જોતાં તેના વિચાર અટકયા. કુસુમના કૌમારવ્રતની વાસના એને વિદિત હતી અને એના મનોરાજ્યને પ્રિય હતી; એ વાસનાનો ઉદય કુસમમાં થયો તે એને અભિનન્દનીય લાગતો હતો; માત્ર આ દેશકાળમાં એ વાત વ્યવહારવિરુદ્ધ છે અને એ વાસનાનો ઉદય કન્યાને દુ:ખકર અને અનિષ્ટકર છે એટલો – આ વિષયની તુલના કરતાં – સામો પક્ષ સમજાયો અને સત્ય લાગ્યો હતો. આ ગુંચવારામાંથી છુટવાનો માર્ગ તેને હજી જડ્યો ન હતો. પણ એક પાસથી આ વિષયમાં ગુણસુંદરીની ચિન્તાનો તે અંશભાગી થયો હતો, ત્યારે બીજી પાસથી આ વાસનાની તૃપ્તિ શોધવાને માર્ગે નીકળી પડેલી પુત્રીના તપની વાર્તા સુન્દરને મુખે સાંભળી એ ઉત્કર્ષથી પિતાનું હૃદય ફુલ્યું હતું. એટલામાં જ એ ઉત્કર્ષદાત્રી મેધાવિની દુહિતાને દાદર ઉપર જોઈ પિતાના