પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૯

હૃદયે હૃદયમાં કાલિદાસની વાણીવડે, પણ ઉચ્ચાર બોલ્યાવિના, આશીર્વાદ ! દીધો કે–

“रम्यान्तरः कमलिनीहरितैः सरोजै-
श्छायाद्रुमैर्नियमिताकर्मयूखतापः।
भूयात्कुशेशयरजो मृदुरेणुरस्याः
शान्तानुकूलपवनश्च शिवश्च पन्थाः॥

“કુસુમ ! સંસારમાં ત્હારો માર્ગ આવો કરી આપવા ત્હારો પિતા પ્રયત્ન કરશે. કુમુદ ગઈ તેમ તેને જવા દેવી નથી. આવી દુઃખકારક એક ભુલ થઈ તેવી બીજી કરવી નથી. જે અવિશ્વાસ અને ભયથી આ મન્દિરમાં રહી રહી તું ઓછું આણે છે અને આવું તપ કરે છે તેમાંથી મુક્ત કરી ત્હારા સુન્દર સ્વતન્ત્ર પવિત્ર અભિલાષને સફલ કરે એટલી શક્તિ – એટલી વૃત્તિ – શું મ્હારી અપત્યવત્સલતામાં નથી ? કુસુમ જેવી એક ન્હાની બાલકી – હવે એકલી એજ – તેનો અપરાધીન ર્‌હેવાનો, ઉપાધિ મુક્ત ર્‌હેવાનો, અભિલાષ, વેળાસર સમજાયો છતાં રત્નનગરીના પ્રધાન જેવો પિતા તેટલો અભિલાષ સિદ્ધ કરવા અશક્ત નીવડે એ દેશકાળનું તારતમ્ય.”

“રંક કુમુદની સ્વતંત્રતા ઉગતા પ્હેલાંથી મ્હેં નષ્ટ કરી. આ પ્રધાનપદની જંજાળમાંથી જન્મેલા પ્રમાદને બળે મ્હેં એ નષ્ટ કરી, મ્હારા ભાગ્યોદયને કાળે જન્મેલી કુસુમની સ્વતંત્રતાને એનું પ્રારબ્ધ મ્હારી પાસે વિકાસ અપાવે છે. એ વિકાસ આપવો એ મ્હારો ધર્મ મ્હારી દૃષ્ટિમાં જણાય છે."

“કુમુદનાં દુર્ભાગ્ય જોઈ આ દૃષ્ટિ ઉઘડી - તેનો લાભ કુસુમને મળશે – એ તેનું ભાગ્ય. અનાર્ય થઈ ગયલા લોકાચાર ઉપર વિશ્વાસ રાખી હું સ્વકાર્યનો અનભિજ્ઞ રહ્યો, મ્હેં મહાપ્રમાદ કર્યો, અને પરિણામમાં કુમુદ જેવી સુશીલ રંક પુત્રીરૂપ ગૃહરત્ન ખોયું ! કુસુમને એમ ખોવી નહી એ હવે પ્રતિજ્ઞા.પુત્રહીન ગુણીયલે પુત્રીઓને પુત્રસમાન ગણી છે, અને એકના નાશથી તે આવી વિકલ થઈ છે તો બીજીના દુ:ખથી તેને શું નહી થાય ? એના મનની ચિન્તા, અને કુસુમની ચિન્તા - સર્વ હવે મ્હારે શિર પડી ! પરણે તે પાળે ને જન્મ આપે તે આત્મજનું જીવનું સુધારે. કુસુમનું જીવન સુધારવું - એના જેવીના મનોરાજ્યને ધ્વસ્ત કર્યાથી નહી પણ સફલ કર્યાથી જ એ જીવન સુધરશે.”

“આ મ્હારા વિચારમાં કેટલું સત્ય છે તે મને સુઝતું નથી.પુત્રી ઉપર