પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૧


“કુસુમ ! લગ્નની ઉપાધિમાંથી મુક્ત ર્‌હેવાનો ત્હારો અભિલાષ દૃઢજ ર્‌હેશે તો આવા કષ્ટ તપની અપેક્ષા વિના જ ત્હારો પિતા ત્હારા અભિલાષ સિદ્ધ કરશે ને જે સૈાંદર્યઉદ્યાનમાં તું આજ રહે છે તેવીજ રમણીય જગામાં એ અભિલાષની વાડી ખીલવશે. એ ધર્મને માટે નાતજાત ને પ્રધાનપદ જેવા સર્વ સ્વાર્થનો ત્યાગ કરવા એ તત્પર છે.”પ્રકરણ ૧૬.
શશી અને શશિકાન્ત.

સાધુજનના મુખમાંથી સરસ્વતીચંદ્ર સંબંધના પદ્યાક્ષર કાને પડતાં ચંદ્રકાંત સૌંદર્યદ્યાનમાંથી બ્હાર નીકળ્યો અને લોકસમુદાયમાં કાને પડેલા સ્વરનો ઉચ્ચારનાર શોધ્યો. દમયન્તીને શોધવા નીકળી પડેલા સુદેવનું પ્રેમાનંદકવિએ વર્ણન કર્યું છે કે

"કહ્યું કોનું ન સાંભળે, છે ક્લેવરમાં કષ્ટ
“સુદેવ ને દમયન્તીની ત્યાં મળી દૃષ્ટે દૃષ્ટિ”

એ વર્ણનમાં સુદેવના હૃદયની જે વૃત્તિ સમજાય છે તેવી જ વૃત્તિથી, “શશી” અને “શશિકાંત ” એટલે ચંદ્ર અને ચંદ્રકાંતને સંયોગ કરનારી કડી સમજતાં, ચંદ્રકાંતને વાર ન લાગી. આટલામાં જ સરસ્વતીચંદ્ર હશે જાણી આ ઉદ્યાનબ્હારના લોકવચ્ચે કાન અને આંખને ચોપાસ અતિપ્રવૃત્ત કરતો કરતો એ આગળ ચાલ્યો. હાથની ક્‌હોણીઓથી સર્વેને ધક્કા મારી તે ઘેલાની પેઠે ધસતો હતો, સર્વ જાતની પાઘડીઓ અને સર્વ જાતનાં વસ્ત્રોમાં સરસ્વતીચંદ્રનાં વસ્ત્રનો કે આકારનો આભાસ ન જડ્યો. ઘણું શોધી શોધી થાકી પાછા ફરે છે ત્યાં ઉધાનના કીલ્લાની એક પાસ ઉગેલા ઘાસ ઉપર ચાર પાંચ બાવાઓ બેસી ચલમ ફુંકતા હતા અને એક બાવો તેમના સામે પગ ઉપર પગ ચ્હડાવી તેમની સાથે વાતો કરતો હતો અને વચ્ચે વચ્ચે “શશિ” અને “શશિકાંત,” વાળી કડી બોલતો હતો. ત્યાં આગળ આવી ચંદ્રકાંત ઉભો અને આ સાધુના મુખમાં આ શબ્દ સાંભળી ચમકયો.

“નક્કી આ મ્હારો મિત્ર ન્હોય ! – પણ આ પંક્તિયો - તે એની જ !” પાસે ગયો અને બાવાઓની વાતો સાંભળવા લાગ્યો.