પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૮


[૧]शिशुत्वं स्त्रैणं वा भवतु ननु वन्द्याऽसि जगतः ।
गुणाः पूजास्थानं गुणिषु न च लिड्गं न च वयः ॥

સર૦– એ અભિલાષ મને અનુકૂળ છે. આપ આગળ ચાલો ને મ્હારું તેમને અભિજ્ઞાન કરાવો.

બે જણ આશ્રમ બ્હાર ગયા ત્યાં ઓટલા ઉપર ચન્દ્રાવલી બેઠી હતી. નવીનચન્દ્રને જોઈને તે ઉભી થઈ. બે જણ પરસ્પર પ્રત્યક્ષ થતાં તત્ક્ષણ રાધેદાસ બોલ્યો.

“ચન્દ્રાવલીમૈયા, આ અમારા નવીન જેવાતૃક - જેને માટે તમે આટલે દૂરથી આવ્યાં છો. નવીનચન્દ્રજી, આ અમારાં મંગલમૂર્તિ મૈયા – જેનો ઉત્કર્ષ આપના શ્રવણપુટને પ્રાપ્ત થયો છે જ.”

અત્યારે ચન્દ્રાવલીનાં સર્વ અંગ સુન્દરતા અને પવિત્રતાના સર્વ ચમત્કારથી ચમકતાં હતાં. એના દર્શનથી જ નમ્ર અને તૃપ્ત થઈ સરસ્વતીચન્દ્ર મસ્તક નમાવી બાલ્યો “મૈયા,

[૨]"अञ्जलिरकारि लोकैर्ग्लानिमनाप्तैव रञ्जिता जगती ।
"सन्ध्याया इव दृष्टिः कस्य मनोज्ञा न भगवत्याः ॥

“આ શરીરમાંનું હૃદય આ૫ને શિરવડે નમે છે અને આપની પવિત્ર આજ્ઞા જાણવા ઈચ્છે છે. ”

ચન્દ્રાવલી - સાધુનું હૃદય સાધુને ઓળખી લે છે. રાધેદાસ, મ્હારે એમની સાથે કંઈ મંત્ર કરવો છે.

રાધે૦- હું તેને અનુકૂળ જ છું. આપના શ્રવણપંથથી દૂર પણ નયનપથમાં પેલા ઝાડ નીચે બેસું છું અને સંજ્ઞા કરશો ત્યાં નિકટ આવીશ.

રાધેદાસ તેટલે છેટે ગયો ને ત્યાં બેઠો. તે બેઠો ત્યાં સુધી તેના ઉપર દૃષ્ટિ રાખી, તે પછી ચંદ્રાવલીએ સરસ્વતીચંદ્ર ઉપર દૃષ્ટિ કરી. એ નીચું જોઈ રહ્યો હતો.


  1. ૧. ત્હારામાં બાળકપણું હો, કે સ્ત્રીપણું હો ! તો પણ જગતે વન્દન કરવાયોગ્ય તું છે જ, ગુણિજનમાં પૂજાનું સ્થાન તેમના ગુણ છે – તેમની સ્ત્રી-જાતિપણું કે પુરૂષપણું નથી તેમ તેમનાં વયનાં વર્ષ પણ નથી. (ઉત્તરરામ.)
  2. ર. સંધ્યાની દૃષ્ટિ જેવી સુન્દર-રમણીય છે તેવીજ આ૫ ભગવતીની દૃષ્ટિકોને નથી? એ દૃષ્ટિ પડતામાં લોકો અંજલિવડે હાથ જોડવા મંડી ગયા અનેપૃથ્વી, ગ્લાનિને પામી નથી ત્યાર પ્હેલાં તો, એ દૃષ્ટિથીજ રંજિત થઈ.( પ્રાચીન )