પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૮

પોતાના મુદિત આશયના પ્રેર્યા એ મહાત્માઓ લોકના કલ્યાણ ભણી પ્રવૃત્ત થાય છે. તમોગુણનું ફળ આલસ્ય છે; રજસનું ફળ સકામ પ્રવૃત્તિ છે; અને સત્ત્વનું ફળ આવી નિષ્કામ લોકોપકારક પ્રવૃત્તિ છે.

સર૦– નિસ્ત્રૈગુણ્યના માર્ગ ઉપર જનારને તો નિષ્કામ પ્રવૃત્તિ પણ નિરર્થક.

ચન્દ્રા૦– અલખ પરમાત્મા સાથે અદ્વૈતનો અનુભવ કરનાર આત્માની જ સ્થિતિ નિસ્ત્રૈગુણ્ય છે; પણ જ્યાં સુધી કારણ શરીર શીર્ણ થયું નથી ત્યાં સુધી ત્રણે શરીર ત્રિગુણાત્મક છે. સૂક્ષ્મ શરીરને સૂક્ષ્મતમ કરનાર ગુણ સાત્વિક છે; સૂક્ષ્મ શરીર સૂક્ષ્મતમ થાય ત્યારે જ અન્ય વાસનાઓનો ક્ષય થાય છે અને કારણશરીર માત્ર લોકોપકારક સાત્ત્વિક વાસનારૂપે સ્ફુરે છે અને એ વાસનામાં વસતા મુદિત આશયની પ્રેરેલી પ્રવૃત્તિનું આસ્વાદન જગત કરી શકે છે.

સર૦– એ આશય કેવા હોય છે ને એ પ્રવૃત્તિ કેવી થાય છે? કંઈ પણ પ્રવૃત્તિમાં ન પડનારને કાંઈ હાનિ છે?

ચન્દ્રા૦- વ્યષ્ટિ અથવા વ્યક્તિનું વાસનાબીજ અને કારણશરીર તેના સર્વ જન્મજન્માંતરમાં એકજ ર્‌હે છે. મૃત્યુથી, સ્થૂલ શરીર બદલાય છે, સૂક્ષ્મ શરીર વિકાસ પામે છે, અને કારણશરીર પ્રથમ વિકાસ પામે છે અને સદ્વાસનાઓના ઉદય પછી હ્રાસ પામતું જાય છે. સૂક્ષ્મ શરીર અને કારણશરીર મૃત્યુથી નાશ પામતાં નથી. સ્થૂલ શરીર બદલાય છે એટલે શૂન્ય થતું નથી પણ પંચભૂત રૂપ સ્વયોનિમાં પાછું ભળે છે ને સૂક્ષ્મ શરીરની આશપાસ નવું સ્થુલ શરીર વીંટાય તો વીંટાય. સંસારીઓમાં એમ મનાય છે કે મરે તે શૂન્ય થાય – તેનો નાશ થાય. નાશ કશાનો થતો નથી. વસ્તુમાત્ર સ્વયોનિમાં પરિપાક પામી આવિર્ભાવ પામે છે. રુના તન્તુ તણાઈને સૂત્ર થાય, સૂત્રસમૂહ અન્ય પરિપાક પામી પટ થાય, પટ જીર્ણ થઈ ફાટી જાય, અને અંતે તિરોધાન પામે એટલે સ્વયોનિમાં ભળે. સ્થૂલ શરીર પણ એવીજ ગતિને પામે છે અને તેની ગતિ ગર્ભાધાનથી આરંભાઈ દેહદાહાદિકાળે સ્વયોનિમાં લીન થાય છે. વનસ્પતિના દેહ કેવળ સ્થૂલ છે તેનાં બીજમાં તેમના સુક્ષ્મ દેહ તિરોહિત ર્‌હે છે અને કૃષિકર્માદિને બળે એ બીજમાંથી અન્ય સ્થૂલ દેહને આવિર્ભાવ આપવાની શક્તિનું ધારણ કરે છે. પાશવયોનિમાં સૂક્ષ્મ દેહ જાતે આવિર્ભાવ પામે છે, અને વૃક્ષાદિની પેઠે તેમનાં બીજમાં અંતર્હિત રહી સ્થૂલ કામાદિને અને સંતતિને ઉત્પન્ન કરે છે, એટલું જ નહી