પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૬


પંચયજ્ઞ પણ અપૂર્ણ ર્‌હે છે. મનુષ્યમાત્રના સર્વ યજ્ઞ યથોચિત પ્રમાણમાં થાય તે જ પરમપુરુષને પુરુષયજ્ઞ દીસ થાય છે, માટે પિતૃયજ્ઞની આ સ્થિતિથી પુરુષયજ્ઞનો પણ પિતા માતા દોષ કરે છે. પિતામાતા અને જયેષ્ટ કુટુમ્બ રૂપ પિતૃલોક, પુત્રલોક, અને જગત એમાંથી કોઈના કલ્યાણને માટે આ સ્થિતિ અનુકૂળ નથી. માટે સાધુજનોએ પિતૃયજ્ઞનો ત્યાગ કરી તેને સ્થાને મઠયજ્ઞની વ્યવસ્થા રાખી છે. મૃત પિતૃજનની તૃપ્તિને માટે સંસારીયોમાં યજ્ઞ થાય છે. પણ સત્ય જોતાં તો મૃત્યુ પછી પિતાપુત્રાદિક સંબંધ નષ્ટ થાય છે અને પિતૃલોકમાં સર્વ જીવ સૂક્ષ્મરૂપે સ્ફુરે છે. પિતૃલોકનો ઉદ્ધાર પુત્રના સંન્યાસથી થાય છે તેમ તેની સાધુતાથી પણ થાય છે. સાધુજનની સાધુતા અને સાધુયજ્ઞો પિતૃલોકને તૃપ્ત કરી ઉદ્ધાર આપવા એકલાં જાતે જ સમર્થ છે અને બાકી તો તમને કહ્યું કે અલક્ષ્ય પરમાત્માના જીવસ્ફુલિંગને તો પિતા, પિતામહ, પ્રપિતામહ, કે સંબંધી કોઈ છે જ નહી – તેનું તો સર્વત્ર આત્મરૂપ જ છે. અને વ્યવહારદૃષ્ટિથી જુવો તો પણ તેમની તૃપ્તિ તો માત્ર હંસપદ[૧]થી થાય છે. પિતા આદિ પિતૃવર્ગ પિતૃત્વસંબંધનો સનાતન ત્યાગ કરી આ ભૂતળ ઉપર નહી પણ પરલોકમાં વસે છે અને તેમની તૃપ્તિને માટે ભૂતળમાં આપેલી નિવાપાંજલિ માત્ર હંસપદ જેવી આવશ્યક ગણી એ તૃપ્તિ સિદ્ધ થશે એવી શ્રદ્ધાયુક્ત ઉત્પ્રેક્ષા સંસારીઓ કરે છે, પણ શુદ્ધ દૃષ્ટિએ જોતાં તો પિતૃલોક ઐહિક સંબંધનો ત્યાગ કરી દેવયજ્ઞમાં જ સાધ્ય છે માટે કહ્યું છે કે.

[૨]“वसून वदन्ति वै पितॄन
“रुदांश्चैव पितामहान् ।
“प्रपितामहांश्चादित्यान्
"श्रूतिरेषा सनातनी ॥

આવાં ગુરુપ્રયોજનને ઉદ્દેશી સાધુજનો સર્વ પિતૃયજ્ઞનો ત્યાગ કરે છે અને સાધુપિતાઓ પુત્ર પાસે એવા યજ્ઞ કરાવતા જ નથી એટલું નહી પણ તેનો નિષેધ કરે છે. સાધુપિતાઓ સર્વદા પુત્રો ઉપર નિષ્કામ નિર્ભય પ્રીતિ જ રાખે છે, અને પુત્રનો પુત્રવત્ નહી પણ આત્મવત્


  1. ૧. હંસપદ – કાકપદ - કાક પગલું અથવા કાટ પગલું - caret
  2. પિતા વસુ કહ્યા છે પિતામહ રુદ્ર કહ્યા છે, અને પ્રપિતામહ આદિત્ય કહ્યા છે એવી સનાતન શ્રૂતિ છેઃ મનુ.