પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૬


[૧]"यत्र यत्र न्यस्रेत्पादं पश्येच्छृण्वीत वा वदेत् ।
"आत्मप्रियजमानोऽयं तत्र तत्रातिधिर्विराट् ॥

“હવે માત્ર આ યજ્ઞકર્ત્તાઓનાં દૃષ્ટાંત આપવાં રહ્યાં તે સાંભળો. આપણા ત્રિમૂર્તિ દેવોમાં પ્રથમ બ્રહ્મા; તેમણે આમન્ત્રિત અતિથિરૂપની સૃષ્ટિ ઉત્પન્ન કરી અને કર્યા જાય છે. આ સૃષ્ટિ મનુષ્યાદિ સર્વ જન્તુ સમેત છે. તે બ્રહ્મદેવનો આમન્ત્રિત અતિથિગણ છે. તેમને માટે બ્રહ્મા પુત્રયજ્ઞ કર્યા કરે છે, જેને ઉત્પન્ન કરે તેને તેજ પળથી યજ્ઞસમર્થ અને યજ્ઞસામગ્રીથી સંભૂત કરવાનો પ્રયોગ રચે છે. ગર્ભને માટે ગર્ભાશયમાં, બાળકને માટે ધાવણમાં, સંતતિને માટે માતાપિતાની પ્રીતિમાં, સંસારવૃદ્ધિને માટે યુવજનના મદનાવતારમાં, અજ્ઞ સંસારના ઉદ્‍બોધનને માટે સાધુજનોના અલખબોધનમાં, અને એવાં અસંખ્ય સ્થાનોમાં ઉત્પન્ન સૃષ્ટિના નિર્વાહ, સંસિદ્ધિ, અને ઉદ્ધાર માટે સામગ્રીઓ અને શક્તિયો બ્રહ્મદેવ ભરી રાખે છે, તે પછી તેઓ નિષ્કામ ર્‌હે છે, અને વિષ્ણુના હાથમાં સર્વ સૃષ્ટિ સોંપી દેઈ પોતે તટસ્થ ર્‌હે છે, અને અન્ય દેવોની પૂજા સર્વ કરે છે ત્યારે બ્રહ્માએ પોતાની પૂજા કરાવવાનો ઉત્સાહ કોઈનામાં સૃજ્યો નથી તો તેમનાં મન્દિર તો ક્યાંથી હોય ? સર્વદા સમસ્ત બ્રહ્માંડમાં બ્રહ્માને પુત્રયજ્ઞ આમ જ્વલમાન થઈ રહ્યો છે. એ પિતા કોઈની પાસે પિતૃયજ્ઞ કરાવતા નથી.

"વિષ્ણુના હાથમાં સૃષ્ટિ આવી એટલે તેમણે અવતારો લેઈ યજ્ઞ કરવા માંડ્યા. પ્રથમ પાંચ અવતારમાં તેમણે યજ્ઞસામગ્રી સંભૃત કરી. કચ્છપાવતારે દેવોનાં સૂક્ષ્મ શરીરને અમૃત આપી યજ્ઞપશુને સંવદ્ધિત કર્યો. મત્સ્યાવતારે યજ્ઞને માટે વેદવિધિનો ઉદ્ધાર કર્યો. નરસિંહાવતારે પિતાને હાથે મૃત્યુ પામતા પ્રલ્હાદનાં શરીરરૂપ વેદીનું પાલન કર્યું. વરાહે એ વેદીને સ્થાન આપનારી પૃથ્વીનું પાલન કર્યું. યજ્ઞસામગ્રીથી ભરેલી એ વસુંધરાનું માપ લેઈ તેનો યથેચ્છ ઉપયોગ કરવાની શક્તિ વામને દેવોને આપી."

“યજ્ઞસામગ્રી આમ અનેક અંગે તત્પર થઈ એટલે પરશુરામે વિદ્યાયજ્ઞ અને અલક્ષ્યયજ્ઞોની ઋદ્ધિમાટે ઉદ્રિક્ત ક્ષત્રિયોને નાશ કર્યો.


  1. ૧.એક આત્માગ્નિનો જ યજ્ઞ સાધનાર આ યજમાન જયાં જયાં પગ મુકે કે કંઈ સાંભળે કે કંઈ બોલે ત્યાં ત્યાં વિરાટ પોતે તેના અતિથિ થાય છે.