પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૮૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૪


સરસ્વતીચંદ્ર ચમકયો. “એમ જ ! શું કુમુદસુંદરીને છુપાયલાં મ્હારે જોવાનાં રહ્યાં ? એ મને શું ક્‌હેશે? હું એમને શો ઉપદેશ કરીશ ? કેવી ક્ષમા માગીશ ? બુદ્ધિધનના ઘરમાં જે અંકુશ હતો તેથી હું અને એ ઉભયે આ સ્થાનમાં મુક્ત છીયે, એ મુક્તપણું તે જ ભયરૂપ છે, પ્રીતિયજ્ઞ – અદ્વૈત યજ્ઞ – વિહારપુરી અને ચન્દ્રાવલીના જેવો – શું અમારાથી સાધ્ય નહી થાય ? પ્રમોદ ગયો - લક્ષ્યધર્મ અને પાશ્ચાત્યધર્મ જુદે જુદે માર્ગે લઈ જઈ એક જ સ્થાનમાં આણે છે ! આર્યસંસારના વ્યવહારનું ધર્મશાસ્ત્ર જુદું છે – આ ભેખ લેઈ મ્હેં સંસારના વૈભવનો ત્યાગ કર્યો છે - સંસારના ધર્મનો ત્યાગ નથી કર્યો. સંસારના સંપ્રત્યયથી હજી મ્હારું હૃદય મુક્ત થતું નથી. ત્રણે સ્થાનનો ધર્મ જળવાય એવો શો માર્ગ લેઉં ? – કુમુદ ! ત્હારા મનમાં શું હશે? ત્હારા હૃદયમાં લખ ભોગની વાસનાઓ ભરી હોય તેને તૃપ્ત કરવામાં મ્હારે જે ધર્મસંકટ હતું તે પ્રમાદના મૃત્યુથી શાંત થયું છે. જો મ્હેં કરેલાં પાપને લીધે હવે મ્હારો ધર્મ તને તૃપ્ત કરવાનો જ હોય તો લોકાપવાદનું ભય માથે વ્હોરી લેવું એ ધર્મ પણ શું પ્રાપ્ત થતો નથી ? ત્હારી આવી વાસનાઓનો નાશ કરવાનો ત્હારા ઉપર બલાત્કાર કરવો એ શું મ્હારે માટે ધર્મ છે ? – અથવા , આ સર્વ વિચારો શું મ્હારા પોતાના જ હૃદયમાંની અજ્ઞાત વાસનાનો અજ્ઞાત ઉદય નથી જણવતાં? Is not my wish father to these thoughts ? Or, rather, am I not now succumbing to the rush of my own latent will-power itself? Heaven knows whither I am drifting !”

ચંદ્રોદય થયો, ચૈત્ર શુદ એકાદશીની આ રાત્રિ હતી, અને પોણું ભરેલું ચંદ્રબિમ્બ પૂર્વદિશાની ક્ષિતિજરેખાથી કેટલેક ઉંચે ઉગ્યું અને સૌમનસ્ય ગુફાની અગાશીમાં તેનાં કિરણ વાંકાં ઉંચાં થઈ આવવા લાગ્યાં. પર્વતની પૂર્વ તળેટીનો અને રત્નનગરીના માર્ગનો તેમ મૃગજળનો દેખાવ રાત્રિથી ઢંકાતો હતો, છતાં ચંદ્રિકાથી નવીન સ્પૃષ્ટતા ધરતો હતો. સ્ત્રીના અંગને ન ઢાંકે ને ન પ્રત્યક્ષ કરે એવી ઝીણી મલમલની મ્હોટી ચાદર પેઠે સૃષ્ટિ ઉપર ચંદ્રિકા ઢંકાતી હતી અને ચતુર રસિક જનની આંખને અણસારા કરતી હતી. સરસ્વતીચંદ્ર અગાશીની પશ્ચિમ પાસે ગયો. પોતાની ગુફાની પાછળ ઝરો, તેની પાછળની ગુફાની ઉંચી પછીત, એ પછીતમાંની એકલ બારી, અને પછી તે વચ્ચેનો પુલ, - એ એકાંત શાંત દેખાવથી એનું હૃદય