પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૬


પ્રકરણ ૨૭.
ગુફાના પુલની બીજી પાસ.

સૌમનસ્ય ગુફાની પાછળની ગુફામાં સાધ્વીજનોએ કુમુદસુન્દરીને ગુફાદર્શનને નિમિત્તે આણી હતી. ભક્તિમૈયા, વામની, આદિ દશેક શરીરે બળવાળી સાધ્વીઓએ અનેક ગુફાઓ દેખાડી અંતે પુલની પાછળની ગુફામાં એને આણી. ચૈત્ર શુદમાં આ ગુફાની પાછળના એક વૃક્ષમાં અનેક પક્ષીયો ભરાતાં અને તેમાં કોયલો પણ ઘણી આવતી. હજી વસન્ત ઋતુ ગણાતી હતી અને આજની રાત્રિ આ સુન્દર સ્થાને ગાળીશું એવો સંકેત તેમણે કુમુદ સાથે પ્રથમથી જ કર્યો હતેા.

આ ગુફાનું નામ વસન્તગૃહ હતું અને તેનું બંધારણ સૌમનસ્યગુહાના જેવું જ હતું. માત્ર એનું સ્થાન જરી નીચાણમાં હતું અને તેને લીધે આખી ગુફા જોડની ગુફાઓથી નીચી લાગતી.

સાધ્વીઓએ એ રાત્રિચર્યાને માટે ફલાહાર અને શયનવસ્ત્રો રાખેલાં હતાં તે સર્વ નીચલે માળે રાખી ઉપલે માળે આવ્યાં અને એક ઓટલા ઉપર બેસી બ્હારનું સૃષ્ટિસૌંદર્ય જોવા લાગ્યાં. કુમુદ તેમાં ભાગ લેતી હતી. અંતે વાર્તાવિનોદ પણ બંધ રહ્યા અને સર્વ માત્ર જોવામાં લીન થયાં. કેટલીકવાર આ મૈાન રહ્યું. અંતે સાયંકાળ થયો અને એક જણીએ, દીવાસળી વતે, એક કોડીયામાં વાટ મુકી સળગાવી. સળગાવતી સળગાવતી તે બોલી.

“મધુરીમૈયા, ગુરુજીએ નવીનચંદ્રજીને જે શૃંગ ઉપર પંચરાત્રિવાસ આપવા કલ્પેલા છે તે આ જ ! આની જોડેની ગુફામાં જ તે હશે અને નહી હોય તો આવશે. અમે આખી રાત્રિ નીચલે માળે ગાળીશું અને તને આ સ્થાનમાં જ આખી રાત્રિ રાખીશું. આ ત્હારી પાછળ ત્હારા શરીરને યોગ્ય મૃદુ શય્યા છે અને આહારફળ અને જળ છે, અને દીપ છે. અમે તને આ સ્થાને ત્હારા ભાગ્યને આશ્રયે એકલી મુકી નીચે ચાલ્યાં જઈશું.”

કુમુદ ભડકી. “ શું બોલો છો ? તમે મને છેતરી ! આ ભયંકર સ્થાનમાં હું એકલી કેમ રાત્રિ ગાળવાની હતી ? હું તમારી સાથે નીચે જ, આવીશ.”