પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૭


“મૈયા, સાધુજનને આ સ્થાનમાં ભય નથી. તેમાં તને ભય લાગશે તો તેમાંથી તારનાર હૃદય પાસેથી જ જડી આવશે.” પ્રીતિમાનિની બોલી.

“મધુરી, આપણ સ્ત્રીના હૃદયતંત્રનો સ્વભાવ આવે પ્રસંગે જ વિપરીતકલ્પક અને વિપરીતકારી થાય છે. તને અમે છેતરી નથી.” ભક્તિમૈયા બેલી.

કુમુદ૦– ત્યારે મને વગર સૂચવ્યે નિમિત્ત ક્‌હાડી અહીં કેમ આણી ?

ભક્તિ૦– ચન્દ્રાવલીમૈયાએ ત્હારી ચિકિત્સા અને ત્હારું ઔષધ યોજ્યું છે તે તું જાણે છે, મોહનીમૈયાએ ત્હારા અભિસરણનો માર્ગ આ ઐાષધના સાધનમાટે સૂચવેલો તે પણ તું જાણે છે. ચન્દ્રાવલીમૈયાએ ત્હારું દૂતીકર્મ કર્યું અને વિહારપુરીજીના સાહાય્યથી આ સ્થાનમાં નવીનચન્દ્રજીને જે સિદ્ધિ માટે મોકલવા ગુરૂજીની આજ્ઞા મેળવી છે તે ત્હેં ગુરુજીને સ્વમુખે જ સાંભળ્યું. ક્‌હે વારુ, હવે તે તને બીજી કેઈ સૂચના કરવાની બાકી રહી કે ત્હારી વંચના કર્યાનો આરોપ સાધુજનોને શિર મુકે છે ?

કુમુદ૦- મ્હારી સંમતિ વિના કંઈ પણ કરવાનું નથી એમ મને ચન્દ્રાવલીમૈયાએ સ્પષ્ટ કહ્યું હતું.

ભક્તિ૦– અને હજી સુધી અમે સર્વ તને એ જ કહીયે છીયે.

કુમુદ૦– તે અહીં આણવામાં મ્હારી સંમતિ કેમ ન લીધી ?

ભકિત૦– મધુરીમૈયા, ચન્દ્રાવલી અને મોહની જેવી નિપુણ વિદુષીઓ ત્હારા જેવી મુગ્ધાએાના હૃદયના મંત્ર વધારે સમજે છે ને ત્હારા મુખની સંમતિ શોધતાં નથી પણ ત્હારા હૃદયની સંમતિને બહુ સૂક્ષ્મમાં કળાથી જાણી શકે છે.

વામની– મધુરી, શું તું એ મહાશયાઓને શિર ત્હારા હૃદયથી આરોપ મુકે છે ? તો જો ચન્દ્રાવલીમૈયા અને વિહારપુરીજીએ ત્હારું સંયુક્ત દૂતકર્મ કર્યું તેથી તું અજાણી રહી નથી. અમે ત્હારું સખીકૃત્ય કરીયે છીએ તે પણ ગાજી વગાડીને કરીયે છીયે, અમારાં જેવાંથી, આરંભી ગુરુજી જેવાએ જે જે સૂચનાઓ ત્હારા દેખતાં કરેલી તે ભક્તિમૈયાએ તને કહી બતાવી. એ સર્વ જાણીને, જેવી રીતે માજીના મંદિરમાંથી તું યદુશૃંગ ઉપર ચ્હડી આવી તેમ યદુશૃંગ ઉપરથી આ શૃંગ ઉપર ચ્હડી આવી. આથી તે વધારે શું સંમતિને માથે શીંગડાં ઉગતાં હશે ?