પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૧
“સજજન ! બાતાં સ્નેહકી ઇસ મુખ કહી ન જાય !
“મુંગેકું સુપનો ભયો ! સમજ સમજ પસ્તાય !”
(લૈાકિક)
“इत्थं त्वयैव कथितप्रणयप्रसादः ।
“संकल्पनिर्वृतींषु संस्तुत एश दासः ॥"
मालतीमाधवम् ।

સન્તગુફામાંથી નીકળતો કુમુદનો સ્વર પુલની વચ્ચે થઈ સામનસ્યગુફામાં જવા લાગ્યો; કુમુદની હૃદયગુફામાંથી નીકળી સરસ્વતીચંદ્રની હૃદયગુફામાં જવા લાગ્યો અને પ્રતિધ્વનિના ચમત્કારને વીજળી પેઠે ચમકાવવા લાગ્યો. કુમુદનો સ્વર સરસ્વતીચંદ્ર ન ઓળખે એવું હોય નહીં – જે સ્વર કુમુદ દૂર હતી તે કાળે આના કાનમાં ભણકારા ભરતો હતો અને વાંસળી પેઠે મધુર ગાન કરતો હતો તે સ્વર જાતે કુમુદના સ્વમુખમાંથી જ પ્રત્યક્ષ થાય ત્યારે એ ભણકારાના રસિકના હૃદયમાં શો ધમધમાટ થાય તેની તો માત્ર કલ્પના જ થાય એમ છે. – તેનું શુદ્ધ સ્વરૂપ સમજાય એમ નથી તો તેનું વર્ણન તો શી રીતે સંપૂર્ણ થાય? એ હૃદયનું હૃદય, એ હૃદય ધરનારીને . કોમળ કંઠ, અને ચન્દ્રોદયની વેળાએ આ ગુફાઓ જેવું એકાન્ત ! ગાન એ સર્વના સંયોગરૂપ જ હતું.

[૧]“જોગીરાજ ! ઉભા રહો જરી,
“મને વાટ બતાવોની ખરી;
“પડી વનમાં આ રાત અંધારી,
“ભમું એકલો ઘરને વીસારી.”

સરસ્વતીચંદ્ર નરજાતિ વાચક “એકલો” શબ્દ સાંભળી ચમક્યો. “શું આ કોઈ પુરુષ ગાય છે ?” ગાન વાધ્યું.

“નથી પગલાં ઉપડતાં મહારાં,
“ થાકે આવે છે આંખ અંધારાં.
“પંથ પુરો થતો નથી આજ,
“વાધું હું ત્યાં વધે વનવાટ !”

  1. ૧. ઓખાહરણનો રાગ.