પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮

માત્ર એવી છે એ ચાદર – એ વિપત્તિ – એ ખરી રાત્રિ, અને એ ચાદર ઉપર આ કાચા રંગ ચ્હડે અને માણસની આંખને ઠગે એટલે એ જ ચાદરને દિવસ ક્‌હેવાની.”

કુ૦ - “હં. હં. એટલે – એટલે - જુવો ને કે કુમુદબ્હેનનો વિવાહ રહ્યો ત્યાં સુધી દિવસ. સરસ્વતીચંદ્ર નાઠા અને બ્હેનને સુવર્ણપુર જવાનું થયું એટલે આ ચિત્રની ગોળ રેખા ઉપર રજનિના વાળ છે તેમાં એ ભરાવા માંડ્યાં, ને હવે એ રેખાનો ધુમટ ભાંગ્યો અને રજનિના ખોળામાં એ ઉતરી પડ્યાં. –”

ગુણસુંદરીનાં આંખમાં આંસુની ધારા ચાલી. બાલભાવવાળીએ બોધની ધુનમાં એ કાંઈ દીઠું નહી. એ આગળ બોલવા લાગી.

“વળી જુવો, મહારાજ મલ્લરાજના આયુષ્યને પ્રસંગે મેનામાતાને દિવસ હતો. મહારાજ શંકરરૂપ થયા એટલે મેનામાતા આ શ્મશાન જેવા સંસારમાં મહાદુ:ખે જીવે છે તે રાત્રિ.”

ચંદ્ર૦ — “એમ જ.”

કુ૦ – “સઉને દિવસ ઉતરવાનો અને રાત્રિ ચ્હડી આવવાની. કુમારાં હઈએ એ રાત્રિ. પરણે એટલે દિવસ ને સૌભાગ્ય ત્રુટે એટલે પાછી રાત્રિ. એ પરણવું - એ દિવસ - તે તે ઢોંગ ને ધતુરા ને બાકીની બધી રાત્રિ એ તે ખરી વાત. ચાલો હવે આગળ સમજાવો.”

ચંદ્ર૦ — “જેટલું ચિત્ર આપ્યું તેટલું સમજાવ્યું.”

કુ૦ - “લ્યો, ત્યારે, આ બીજું ચિત્ર.”

સુન્દરે એ બીજું ચિત્ર વચ્ચેથી ઝડપી લીધું અને એ બેાલવા લાગી :- “ના, ચંદ્રકાંતભાઈ અમારે એ ચિત્ર જોવાં નથી ને એ કવિતા એને સમજાવવીયે નથી. જેમાં ને તેમાં કુમારાં ર્‌હેવાની વાત આણે છે, એને તે હવણાંની ઘેલછા લાગી છે તે આપણે વધારવાની નથી.”

કુસુમ કાકી સામી આંખો ક્‌હાડી જોઈ રહી.

“કાકી, આપો છો કે નથી આપતાં ? – પછી ક્‌હેશો કે બોલી !”

સુંદર - “શું બોલવાની હતી જે? શ્રીકૃષ્ણને ખાણીયે બાંધ્યા હતા તેમ તને પણ બાંધીને પરણાવવાની છે. હવે બહુ લાડ જવા દે.”

કુસુમ.– “એમાં લાડ શાનાં? બોલાવો છો ત્યારે બોલું છું: તમારે તે આવી રાત્રિ કેમ ને મ્હારે તે આ દિવસના ઢોંગ ધતુરા કેમ જોઈએ ? વધારે બોલાવશો તો વધારે બોલીશ.”