પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૮


આત્મદોષનું ભાન પામનારે નિ:શ્વાસ મુકયો.

“પ્રીતિ જાગી હૈયે મુજ સાચી,
“પ્રીતિ નરની યે જોઈ લીધ ઝાઝી.
“ખરી પ્રીતિ ધરી, ખોટી દીઠી,
“નરે ગેરુ ધર્યો ને કહી પીઠી!”

ચારે આંખેામાં આંસુની છાલકો વાગવા લાગી. સરસ્વતીચંદ્રે દુ:ખમાં ને દુ:ખમાં જાત ઉપર રોષ આણી પોતાનો અર્ધો ઓઠ કરડ્યો.

“સ્ત્રીની પ્રીતિ હશે કંઈક ખોટી,
“નર કંઈક મુકે એને રોતી.”

પુલની બે પાસ નિઃશ્વાસ ચાલતા હતા.

“નારી અબળા છે, ને છે ભોળી,
“ઠગે એને જ્ઞાની જોગી ભોગી.
“રાંક થઈ પડી ર્‌હે ભોળી બાળા,
“નર આવી કરે ત્યાં ચાળા;
“ભોળી અબળાને પ્રેમે ફસાવે,
“ફાવે ત્યાં પાછી ધુતકારી નાંખે.”

“This is sharp retort” સરસ્વતીચંદ્રે છાતી ઉપર હાથ મુકયો.

“જ્ઞાની જ્ઞાનહીનાને નચાવે,
“પ્રીતિભાંગ પાઈને એને રાચે!”

“પાઈ ખરી ! પાઈ તે પાઈ પણ રાચતો નથી !” ગાનને ઉત્તર મળ્યો.

“સ્ત્રીના દુ:ખની મશ્કરી કરતો,
“પ્રીતિ-સ્વપ્ન દેખાડીને ઠગતો!
“પ્રીતિ પુરુષમાં હો કે નહી હો,
“સ્ત્રીને કોમળ હૈયે ખરી હો!
“ન્હોતી જાણતી પ્રીતિનું નામ,
“ન્હોતી સ્વપ્નેયે જાણતી કામ,
“તેને કાને ફુંક્યો નરે મન્ત્ર,
“સાથે મુક્યું મનોભવતન્ત્ર;