પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૯


“એણે રેલાવ્યો અબળામાં પ્રેમ,
“રેલે સરિતા ચોમાસે જેમ.
“રસ જાણ્યો તે નીવડી આગ,
“દેહ બળતાં, બચ્યો નહી વાળ.”

“મ્હારી બુદ્ધિમાં જુનાં, સ્વ્પ્ન ફરી તરવરે છે અને નવાં સ્વપ્ન ઉભરાય છે ! સ્થૂલ પ્રીતિ | તું પણ પ્રસંગ આવ્યે બળ કરવા, ચુકતી નથી.” કુમુદના મુખ ઉપર નવીન શોક અને નવી સુન્દરતા ચમકવા લાગ્યાં ને તે જોનારના હૃદયમાં નવી જાતનો કંપ થયો. કંપાવનાર ગાન કંઈ અટકયું ન હતું.

"પ્રેમી અબળાને પ્રેમે ભુલાવી,
"ધીકધીકતા અગ્નિમાં ચલાવી,
"શીતળ થાવાને વનમાં આવી,
"નિરાશા છે લલાટે લખાવી !”

“ખરી વાત છે ? દુષ્ટ જીવ, કુમુદની આશા અને નિરાશાની લગામો ત્હારા જ હાથમાં રહી છે અને ત્હારે તો વૈરાગ્યમાં ઘોરવું છે !”

નવાં સ્વપ્નોએ સાંભળનારને મર્મવચન કહ્યું.આગળ ચાલતી કવિતા હજી વધારે મર્મભેદક નીવડતી હતી.

"ઘર છોડ્યું ને વનમાં આવી,
"ટુંકું ભાગ્ય ત્યાંયે સાથ લાવી.
"તમ જેવાનો સત્સંગ થાય,
"ત્હોય મટતો ન મનનો ઉચાટ.”

“સત્સંગ” શબ્દે હજી નવા વિચાર જગાડ્યા.

"જગ પાવન ને નિર્વિકાર
"શાંત દાંત તમે, યોગીરાજ !”

“હું ઇચ્છું છું- કુમુદ, હું ઈચ્છું છું કે તું જેવો મને કલ્પે છે તેવો હું હઉં ને ન હઉં તો થઉં. પણ આ ઇચ્છા તે ત્હારી નિરાશાની છે કે આશાની છે ? ત્હારી હૃદયગુહા ઘણી ઉંડી ને સૂક્ષ્મ છે ત્યાં ત્હારા મર્મસ્થાનમાં પ્હોંચવું એ હવે મ્હારો ધર્મ.”

"તેને શરણ વૃથા હું આવી,
"શોક મૂઢ વિકારિણી નારી !