પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૩


“કુમુદ સુંદરી !”– ઉત્તરમાં ગાન જ ચાલ્યું.

“ફેંકી કાયા ને ફેંક્યા મ્હેં પ્રાણ !
“માગ્યો જળમાં ને નરકમાં માર્ગ !
“કાયા ફેંકી દીધી જળનાથે !
“પ્રાણ લીધા ન નરકને નાથે !
“પ્રાણધારિણી કાયા એ આજે
“પડી છે પ્રાણનાથને પાયે !”

ખભા ઉપરથી હાથ ઉપડ્યો ને બીજા હાથ સાથે જોડાયો. કુમુદના બે હાથ પોતાના શરીર આગળ જંઘા સુધી લટકી નમી અંજલિપુટ થઈ બીડાયા ! સરસ્વતીચંદ્રના ચરણ ભણીજ એ હાથ નમ્યા ને એ હાથ ધરનારીની દૃષ્ટિ, એનું મસ્તક, સર્વ સરસ્વતીચંદ્રના ચરણ ભણીજ “પ્રાણ નાથને પાયે ” શબ્દ બોલતાં બોલતાં નમ્યાં અને વળ્યાં, ને તેનેજ એ ક્‌હેવા લાગી,

“કાયા પ્રાણનો યેાગ ન માગે !
“પ્રાણ પ્રાણપણાથી ન રાચે.
“પ્રાણનાથને શરણ પડ્યાં એ !
“પ્રાણનાથ તારે કે ડુબાડે !
“પ્રાણનાથ, ડુબાડો કે તારો !
“રસ નષ્ટ કરો કે વધારો !
“ક્ષમા આપો કે ક્રોધથી શાપો !
“હાથ ઝાલો કે લાતથી મારો !
“વિધાતાએ તે લેખ લખ્યા છે:–
“પ્રાણનાથ શું પ્રાણ જડ્યા છે !”

"કુમુદસુંદરી ! – કુમુદ ! – આ દશા–” આ ઉદ્ગાર નીકળતાં ગાન અટક્યું ને સટે ગદ્ય નીકળ્યું ને કુમુદ ખડખડ હસી પડી.

“હં ! આટલે દિવસે – પાછી – હું કુમુદ થઈ ! – કુમુદસુંદરી નહીઃ- “પ્રિય કુમુદ" થઈ - હા ! તો હવે સાંભળો હૃદયની વાત હૃદય બેાલશે ! હું નહી બોલું.”

“અ રે રે ! હજી એ બેભાન છે ને બેભાન સ્થિતિમાં જ ઉભી છે, બોલે છે ને ગાય છે.” સરસ્વતીચંદ્ર કંઈક ઝીણેથી બોલ્યો તે સાંભળ્યું હોય તેમ બેભાન કુમુદ બોલી.