પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૮


“શું કરું ? આ દુઃખી દેહને ખોળામાં રાખી હું તેને જોયાં કરું છું તો વિચારને સ્થાને વિકાર થાય છે – ને આ સમયે વિકાર થાય તે તો મ્હારી દુષ્ટતાની પરાકાષ્ઠા ! કુમુદ ! ત્હેં ત્હારું ગાન કર્યું - હું હવે મ્હારું ગાન કરી કાળક્ષેપ કરીશ – મ્હારા વિચારથી એ ગાનને ભરીશ. કુમુદે પોતાનું ગાન સાંભળ્યું નથી, જાણ્યું નથી, ને બીજું કોઈ સાંભળે છે એવું તેને ભાન પણ રહ્યું નથી. પોતાના હૃદયને શાંત કરવા સ્વસ્થ દશામાં ચિત્તે જોડેલું ગાન આ દશામાં મ્હારી પાસે જાતે નીકળી પડ્યું; તેથી ઉલટું મ્હારું ગાન હવે મ્હારી અસ્વસ્થ દશામાં જોડવું પડે છે, અને હું તે ગાન જોડીશ, સમજીશ, ને પોતાને કાને સાંભળીશ પણ મૂર્છાવશ કુમુદ તે નહીં સાંભળે ! તે નહીં સાંભળે તે જ ઉત્તમ છે. ચંદ્રપ્રકાશ અને પવનની લ્હેરોની પેઠે મ્હારું ગાન એની મૂર્છાને વાળે તો એ જ મ્હારો પરમ લાભ ! ને એ નહીં સાંભળે કે સમજે તે મ્હારો જાતનો સ્વાર્થ !” થોડીવાર તે સ્વસ્થ રહ્યો, બોલ્યો નહી, હાલ્યો નહી. માત્ર ચંદ્ર અને કુમુદમુખની તુલના કરતો હોય તેમ વારાફરતી તે બેના સામું જોતેા હતેા. એ મુખ પોતાને – સરરવતીચંદ્રને - ઠપકા દેતું લાગ્યું ને તરત વીજળીની ત્વરાથી તે મુખ જોનાર આંખે આંખના સૂત્રધારને – સરસ્વતીચંદ્રના હૃદયને – એ ઠપકો પ્હોંચાડ્યો ત્યાં એ કંઈક ઉંચે અને કંઈક નીચે સ્વરે ગાવા લાગ્યો.

“દીધાં છોડી પિતામાતા,
“ત્યજી વ્હાલી ગુણી દારા !
“ગયો, વ્હાલી, ગયો આવ્યો !
“હૃદયનો ભેદ ના ભાગ્યો.

“બુદ્ધિધનના ઘરમાં સંસારની રીતિએ એ ભેદભાગવા ન જ દીધો”.- ગાન સાથે ગદ્ય પણ મ્હોટે સ્વરે ઉચ્ચારાયું, ને નિ:શ્વાસ વિના બીજા કોઈએ તેમાં અંતરાય નાંખ્યો નહી.

“ન જોવાયું, ન બોલાયું,
“હૃદય આ ના ઉઘાડાયું !
“પીધું ત્હેં, પાયું મ્હેં, વિષ !
“હવે કુટું વૃથા શિર.”

“જે મતિ પીછે ઉપજી – સો મતિ આગે હોત – તો, સરસ્વતીચન્દ્ર ! આ મૂર્ખતા ન થાત ! ” કુમુદના મુખ સામું યાચક જેવું દીન મુખ કરી પશ્ચાત્તપ્ત જન જેઈ રહ્યો.