પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૯


“અહો ઉદાર ઓ વ્હાલી !
“અહો સુકુમારી ! ઉર ફાટી
“ગયું ત્હારું, રહ્યું મ્હારું
“બની દારુણ ગોઝારું !

“સંસારે કરાવેલા દુષ્ટ જનના પરામર્શથી આ સુન્દર પવિત્ર શરીર જેવું સત્વ દૂષિત થયું – તે દોષ પણ મ્હારો જ !"

“શરીર ત્હારું, હૃદય મ્હારું,
“કર્યું આ મ્હેં જ ગોઝારું !

"પણ ત્હેં તો પરસપરસંધટ્ટક ધર્મ સાચવ્યા અને ત્હારે પોતાને માટે સુભાગ્યરૂપ અને મ્હારા ભાગ્યને માટે શિક્ષારૂપ આ સ્થિતિને તું પામી – તું દુઃખની બેભાન થઈ, કામની અને સર્વ જગતની નિષ્કામ થઈ અને મ્હારે તેથી ઉલટું છે. અને તું-

“મળી ત્યારે મળી આમ !
“કર્યો ત્હેં ભસ્મવત્ કામ ."

“ કામ ! કામ ! શિવજી જેમ વિષધરની ધારાઓ જેવા સર્પને પોતાના જ શરીરની આશપાશ વીંટાવા દે છે અને મસ્તક ઉપર અમૃતમયી ગંગાને અને સુધાકર ચંદ્રને સ્થાન આપે છે તેમ કુમુદસુંદરીએ આ દુઃખવિષથી ભરેલા શરીરના સ્વામીને શરીર સોંપી દીધું અને અમૃતમય હૃદય મને સોંપ્યું હતું તે મ્હારામાં જ રાખ્યું !"

“સાધુ ધર્મ અને સંસારધર્મનો આ સૂક્ષ્મ પણ ક્‌લેશકર સંયોગ રાખવો એ તને જ આવડ્યું ! તું જ સતી તું જ શાણી ! ઉદારતા અને શુદ્ધિ પણ ત્હારી જ છે. પ્રિય કુમુદ ! પતિવ્રતાપણું ત્હારામાં જાયું પણ છે ને પરિપાક પામ્યું પણ છે ! - સતીપણું ત્હેં મહાતપથી – અત્યુગ્ર આંતરાગ્નિની જવાળાઓની વચ્ચે બેસીને જાયું છે ! જો તું સતી નહી અને પતિવ્રતા નહી – તો સંસારમાં કીયા મનુષ્યસત્વનો અંતરાત્મા પોતાનામાં ત્હારા જેવી શક્તિ પ્રત્યક્ષ કરે છે ! જે દુષ્ટ સંસાર તને નિન્દે છે તેને છોડી આપણે જે સાધુજનેામાં આવ્યાં છીયે ત્યાં આવા જ પ્રશ્નનો પુછાય છે !

“અહો ઉદાર : ઓ વ્હાલી.
“સતી તું શુદ્ધ ! ઓ શાણી !