પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૦૦


“હૃદય જ્યાં જોડ્યું ત્યાં જોડ્યું !
“શરીર જ્યાં હોમ્યું ત્યાં હોમ્યું !

“મૂર્છામાં પડી પડી કુમુદ – આ સાંભળજે ત્હારા હૃદયે ત્હારે જે માર્ગે તને લીધી છે તે જ વિશુદ્ધ છે અને તે જ સાધુજનોને મુદિત માર્ગ છે. તું અધર્મને પગથીયે ચ્હડી જ નથી. મ્હારા હૃદય સાથે ત્હારું હૃદય ત્રસરેણુક સંબંધ પામ્યું તે કોને લીધે ? ત્હારાં માતાપિતાની ઇચ્છાથી અને ઈશ્વરે રચેલા કોઈ સંકેતથી ! એવા પરમ અદ્વૈત પામેલાં હૃદયને એક બીજાથી છુટાં પાડવાની શક્તિ કોનામાં છે ? જેમ એક વાર વિશ્વરૂપ દર્શનથી પરમાત્માનું અદ્વૈત પામેલો જીવાત્મા પુનર્દ્વૈત પામતો નથી તેમ એકવાર પ્રીતિયજ્ઞ કરવા ધર્મ્ય અદ્વૈત પામેલાં હૃદય દ્વૈત પામતાં નથી. એ અદ્વૈતાગ્નિ આપણા આવસ્થમાં પ્રકટાયો તે પ્રકટાયો ! તે હોલવવાનું એકે શાસ્ત્રમાં લખ્યું નથી. ત્હારા હૃદયમાં તે ન હોલાયો – એ ત્હારો ધર્મ ને એ ત્હારો ઉત્કર્ષ ! તેને જગતની વઞ્ચના નષ્ટ કરી શકી નહી ! અને તેની સાથે જ ત્હારા પિતાએ તને પ્રમાદ સોંપ્યો – તે ત્હારો પતિરૂપ આકારક અતિથિ થયો ! અર્વાચીન આર્યૂ એવા અતિથિના આતિથેય માટે યજ્ઞ માંડે છે તે માતાપિતાએ કરેલાં વાગ્દાનની પ્રતિજ્ઞા પાળવાને ! હાલનાં એ લગ્ન તે સર્વ પિતૃયજ્ઞ જ ! દશરથની પ્રતિજ્ઞા રામે પાળી તેમ આ આર્યાઓ આવી પ્રતિજ્ઞાઓ પાળવાને જ આતિથેય- યજ્ઞ માંડે છે. કુમુદસુંદરી ! એક પાસથી અદ્વૈતાગ્નિ અને બીજી પાસથી આવો આતિથેયાગ્નિ પ્રકટ કરી તેની વચ્ચે આ અનાથ અશરણ હૃદયને ને શરીરને તપ-સાધના કરવા મુક્યાં, અને એક પાસ હૃદયનો હોમ અને બીજી પાસ શરીરનો હોમ કરવા માંડ્યો – એ અદૃષ્ટપૂર્વ યજ્ઞ કર્યો તે તે તમે ! કુમુદસુંદરી ! પોતાની જાતનો તિરસ્કાર કરી આવા યજમાનકૃત્યની નિન્દા ન કરશો ! સનાતન અદ્વૈત રસધર્મ અને અર્વાચીન અતિથિ - પતિ - યજ્ઞ એ બે સાધવાનું પુણ્ય તે તમારું જ છે ! તે - કુમુદસુંદરી મૂર્છામાંથી જાગીને જુવો !

“અહો રસધર્મ વરનારી !
“અતિથિ–પતિ-યજ્ઞ યજનારી !
“ન ભુલાતું તું ના ભુલી !
“વિવાહની વઞ્ચના ડુલી !