પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૦

પિતાની વાસનાઓને વધારે અનુકૂળ થશે એવું સિદ્ધ થયું. એ સિદ્ધ થયું તેની સાથે જ એ ત્યાગ ન કરવાનો ધર્મ વિરામ પામ્યો અને એ ત્યાગ કરવાનો ધર્મ ઉદય પામ્યો. ભાવતું હતું અને વૈદ્યે કહ્યું. મ્હારો પ્રિય ત્યાગ જ મને શોધતો આવ્યો અને હું તેને ભેટી પડ્યો. ક્‌હો, હવે શું પુછવું છે?

કુમુદ૦– જગતના ક્‌હેવા પ્રમાણે તે પિતાનાં વચન તમારાથી સહી ન શકાયાં ને રોષમાં ને રોષમાં સર્વના ત્યાગનું તમે અતિસાહસ કર્યું.

સર૦– મ્હેં પણ એ વાત વર્તમાનપત્રોમાં વાંચી છે, પણ તે માનનારનું અજ્ઞાન છે. મને રોષનો અભ્યાસ હતો નહી અને છે નહી. સાધુ જનો દોષ કરતા નથી ને પામર જનો દોષ કરે ત્યારે ક્ષમા જ ઘટે છે. [૧] તેમાં માતાપિતાના દોષ તે જેવા યે નહી અને સટે તેમના પ્રતિ સર્વાંશે ક્ષમા રાખવી એ તે આકારાકાતિથિયજ્ઞનો આવશ્યક વિધિ છે, બુદ્ધાવતારના પૂર્વજન્મની કથાઓ ગણાય છે તેમાંથી કેટલીક મ્હેં તમને કહી છે. તેમાં બિસજાતકની કથા એવી છે કે સર્વ ભાઈઓની સાથે વાનપ્રસ્થ થઈ બુદ્ધ પોતે બોધિસત્ત્વરૂપે ર્‌હેતા હતા અને સર્વ ભાઈઓ બિસપ્રાશન કરતા હતા. પાંચ છ દિવસ સુધી ઈન્દ્ર બોધિસત્ત્વના ભાગનાં બિસ ગુપ્ત રીતે હરી ગયો. બિસ ખોવાયાની વાત પ્રસિદ્ધ કરવાથી ભાઈઓને દુ:ખ થશે અને પોતાને તો આહાર–અનાહારમાં સમદૃષ્ટિ હતી તેથી બોધિસત્વે એ વાત કોઈને કહી નહીં, વાત જાતે અન્ય કારણથી ઉઘાડી પડી ત્યાં સુધી અપવાસ થયા, રોષ કે તર્ક તેમણે કર્યા નહી, અને શરીર કૃશ થયું પણ જાતે સુપ્રસન્ન જ રહ્યા, મધુરી ! અપરમાતાના રાજ્યમાં ઈશ્વરકૃપાથી હું આવી પ્રસન્નતા રાખી શક્યો ને રોષમાં સમજ્યો નહીં. મ્હારા હૃદયનું મ્હારું પૃથક્‌કરણ ભુલ ભરેલું હશે – પણ સત્ય માનજો કે હું હજી એમ જાણું છું કે હું પિતા ઉપર રોષ કરી ત્યાગી નથી થયો. મને કોઈની અપ્રીતિ તપ્ત કરતી નથી. હું તો તેમના ઉપરની પ્રીતિને લીધે તેમનું દુઃખ જોઈ તપ્ત થયો ને તેમની તપ્તિ ટાળી તૃપ્તિ આપી. તેમણે મ્હારું અપમાન કર્યું હોય તો તે આ એક વાર જ થયું અને તેનાથી તેમના અસંખ્ય પૂર્વ ઉપકાર મ્હારાથી ભુલાયા નથી. પણ શ્રદ્ધા વિનાની પૂજા, હૃદય વિનાનું આતિથેય, અને સ્નેહ વિનાની પર્યુપાસના એ સર્વ, પાણી વિનાના તળાવ પેઠે, ત્યાગ કરવા યોગ્ય છે. આવે કાળે સાધુજનોને માટે આ જ વિધિ પ્રાપ્તક્રમ છે;


  1. मरणव्याधिदुःखार्त्ते लोभद्वेषवशीकृते ।
    दग्धे दुश्चरिते शोच्ये कः कोपं कर्त्तुमर्गति ॥