પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫૩

સ્થાનોમાં જ લઈ જશે માટે ક્યાં જવું એ વિચાર કરશે મા. કુમુદસુન્દરી, હું તમારી સાસુ નથી; તમારી શુદ્ધ સાસુ હવે તમને મળશે. મ્હારી વાસના છોડી તેમને તમે પૂજજો, તેમનું તપ મ્હારા કરતાં અનેકધા અધિક છે, હું તેમનાં પગલાંને ઘસારો સાંભળું છું, અને એ મહાશયા મહાસિદ્ધાના પવિત્ર ચરણના માર્ગને રોકતી ઉભી છું તે ત્યાંથી દૂર થાઉં છું !

આ મૂર્તિનું સ્ફાટિક શરીર ધીમે ધીમે ઓગળતું હોય, વરાળ પેઠે સ્ફટિક ઉડી જતો હોય, તેમ એ શરીર ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયું; ને તેમ થતાં થતાં તેનો સર્વાંગમાં બુદ્ધિધનની છાયા, નદીમાં આકાશનું પ્રતિબિમ્બ તરે તેમ, તરતું દેખાયું. પળવારમાં બિમ્બ અને પ્રતિબિમ્બ અદૃશ્ય થઈ ગયાં અને એ મૂર્તિએ વિવાહિત કરેલાં દમ્પતી એક બીજાને ગળે હાથ નાંખી, તેજોમય વસ્ત્રથી હૃદયની નાડીઓનું અદ્વૈત પામી, સજોડે, ચકિત થઈ હવે શું થાય છે તેની વાટ જોઈ ઉભાં રહ્યાં.

થોડી વારમાં તેઓ નીચેથી ઉચકાતાં, ઉચાં થતાં, લાગ્યાં, ગમે તો તેમને કોઈ અદૃશ્યરૂપે ઉપર ખેંચતું હોય, ગમે તો એમનાં શરીર પવનથી પણ હલકાં થયાં હોય ને છુટાં મુકેલાં બલુનની પેઠે ઉંચાં ચ્હડતાં હોય, અથવા ગમે તો પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણથી વિપરીત શક્તિ જાગીને તેમને ઉપર ધક્કેલતી હોય, તેમ આ બે જણ ધીમે ધીમે આકાશ ભણી અદ્ધર ચ્હડવા લાગ્યાં ને રુપેરી વાદળામાં આવ્યાં ત્યાં ચ્હડતાં અટક્યાં. એક મૃગાકાર વાદળીમાંથી તેમના ભણી કોઈ અદ્ધર ચાલી આવતું દેખાયું ને પાસે આવ્યું ત્યાં સરસ્વતીચંદ્રે પોતાની માતાનું સ્વરૂપ ઓળખ્યું ને તેણે એાળખયું તેની સાથે એના સ્કન્ધ ઉપરના તેજોમય વસ્ત્રમાં સરતા કોઈ પ્રવાહની શક્તિથી કુમુદસુંદરીએ પણ ઓળખ્યું. બે જણ ચન્દ્રલક્ષ્મીની મૂર્તિને સજોડે પ્રણામ કરી ઉભાં અને રુપેરી વાદળાથી બનેલા શરીરવાળી ચન્દ્રલક્ષ્મીની મૂર્તિ અમૃત જેવાં વચન ઝરવા લાગી:–

“પુત્ર અને વધૂ ! સૌભાગ્યદેવીએ તમને સંસ્કારેલાં છે ને મ્હારા જે તપનું તેમણે વર્ણન કર્યું તે તપની સિદ્ધિથી હું આ કલ્યાણ દેહને પામી છું. પુત્ર ! જે પિતૃયજ્ઞને માટે સ્ત્રીને, લક્ષ્મીને, અને ગૃહને ત્હેં ત્યાગ કર્યો તે જ ત્યાગ ત્હારા પિતાના અધર્મરૂપ હતો, તેનું કષ્ટ પરિણામ તે હાલ ભોગવે છે ને તે કષ્ટથી તે સિદ્ધ થાય એવા તેમના યજ્ઞમાં હું અંહીથી પણ સહાયભૂત છું. ત્હારો પિતૃયજ્ઞ સમાપ્ત થયો અને પ્રીતિયજ્ઞ આરંભાયો છે ને તેની સાથે ત્હારા પ્રારબ્ધમાર્ગમાં નવા મહાન મનુષ્યયજ્ઞના અગ્નિ સળગતા