પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫૮


શ્વાન૦– સિદ્ધજનો તો આ પુરમાં પોતાની સ્વગતિથી આવે છે પણ કોઈ કોઈ કાળે તમારી પેઠે મનુષ્યો પણ આવે છે. મનુષ્ય પૃથ્વી ઉપરથી અંહી જેમ જેમ પાસે આવે તેમ તેમ અમને તેમનો ગંધ નીચેથી આવે છે. એ મનુષ્યમાં કેવા ગુણ છે તે તેને સુંઘીને અને જોઈને અમે જાણી જઈએ છીયે. જો તેની દૃષ્ટિ સાત્વિક હોય છે તો અમે તેને ગોપુરમાં અક્ષત જવા દેઈએ છીયે. જો તેની દૃષ્ટિ રાજસી હોય છે તો અમે તેના શરીરને ન્યૂનાધિક બચકાં ભરી પછી જવા દઈએ છીએ. જો તેની દૃષ્ટિ તામસી હોય તો તેના સર્વ શરીરનું ભક્ષણ કરીએ છીએ ને તેના હાડકાં ગોપુરની પાસેના કુંડમાં નાંખીએ છીએ. આટલો અમારે માટે આહાર નિર્મેલો છે ને આટલો અમારો ધર્મ અને અધિકાર નિર્મેલો છે.

સર૦– આ વ્યવસ્થાનું પ્રયોજન શું ને ફળ શું?

શ્વાન૦– ભીષ્મપિતામહે ધર્મરાજ યુધિષ્ઠિરને જ પોતાની પાસેથી ઉપદેશ લેવા યોગ્ય ગણ્યા હતા અને યુધિષ્ઠિર મહારાજ જેવા સાત્ત્વિક દૃષ્ટિવાળાઓને જ પિતામહપુરનું રહસ્ય દેખાડવાનું છે. રાજસી દૃષ્ટિવાળા જનો રાગદ્વેષની અને મમતા તથા અહંકારની દષ્ટિએ જ જુએ છે. પિતામહપુરનાં રહસ્ય તેમને દેખાય છે પણ રાગદ્વેષને લીધે તેમને માત્ર એકદેશીય અથવા વક્રીભૂત દર્શન જ થાય છે. અહીંથી આવા જન્તુ પાછા જઈ જગતને છેતરે નહીં અને તેમના રાગદ્વેષ જગતમાં ઉઘાડા પડે એવું કરવાને અમે તેમને કરડીયે છીયે એટલે આ પુરમાં તેમ જગતમાં એ લોક જ્યાં ફરે છે ત્યાં તેમને હડકવા હાલે છે ને તેમની દૃષ્ટિથી અને તેમના સ્પર્શથી જડ મનુષ્યોને એવોને એવો હડકવા હાલે છે; પણ એ દૃષ્ટિવાળાઓને જોઈ પ્રાજ્ઞ મનુષ્યો તેમને વર્જ્ય ગણે છે અને આ પુરવિષયે તેમણે કરેલી કથાઓને સત્ય ગણતા નથી. તામસી દૃષ્ટિવાળાનો તો નાશ જ ઘટે છે.

સર૦- તમારું નગર જોવામાં રાગદ્વેષ શાનો થાય?

શ્વાન.- હૃદયના રાગદ્વેષ વ્યવહારમાં હોય છે તેમ દૃષ્ટિના રાગદ્વેષ આવે સ્થાને આવિર્ભૂત થાય છે. અમારો શ્વાનવર્ગ તમારા સંસારીયોમાં અપવિત્ર ગણાય છે ને યુરોપના સંસારીયોમાં ગૃહ્ય ગણાય છે ત્યારે ધર્મરાજે તેને પોતાની સાથે સ્વર્ગમાં જીવતો લીધો તે સાત્ત્વિક દૃષ્ટિ. વ્યાસમુનિયે નિયોગ સ્વીકાર્યો, પિતામહે કૌમારવ્રત પાળ્યું, રામચંદ્ર શબરીના કરડેલાં બદરીફલ ખાધાં, ભીમસેને રાક્ષસી જોડે વિવાહ કર્યો, ઇત્યાદિ પ્રવૃત્તિઓ સાત્ત્વિક દૃષ્ટિમાંથી થઈ હતી. તમારા સંસારીયોમાં મનુષ્યની એક જાત બીજીનાં સુખદુ:ખ ન ગણતાં પોતાની જ જાતનો પક્ષપાત કરે છે,