પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫૯


વિવાહમાં, ભોજનમાં, આચારમાં, ને વિચારમાં અમુક વસ્તુ પોતાની જાતની કે પોતાની ગણે છે ને અન્યને પારકી ગણે છે, પોતાની ક્રિયાને મિથ્યાદમ્ભથી શિષ્ટ ગણે છે ને અન્ય ક્રિયાઓને અધર્મ ગણે છે, અમુક વાણી સત્ય હોવા છતાં ન બોલવા જેવી ગણે છે અને ગમે તો તે બોલવાને કાળે લજજાદિ નિમિત્તોથી બોલતા નથી ને સત્યને સંતાડે છે અથવા અસત્ય બોલે છે અથવા જાતે જ પોતાના સંપ્રત્યયોનાં સત્યાસત્ય વિચારવામાં ઉપેક્ષા રાખે છે ને તે છતાં તે સંપ્રત્યયોને વળગી ર્‌હે છે – ઇત્યાદિ અનેક પ્રકારોથી રાગદ્વેષની દૃષ્ટિની સૃષ્ટિ પ્રત્યક્ષ થાય છે, રાગદ્વેષ વિના, મમતા વિના, અધ્યાત્મ દૃષ્ટિથી, જે દર્શન થાય તે જ સાત્ત્વિક.

સર૦– દેશવત્સલતામાં મમતા આવે.

શ્વાન.– ધર્મબુદ્ધિથી દેશપ્રીતિ થાય તે સાત્ત્વિક ને મમતાદિથી થાય તે રાજસી પ્રીતિ સ્વદેશની કે પરદેશની પ્રજાઓની પ્રલયકારિણી થાય છે.

સર૦– સર્વ પોતાના ધર્મની બુદ્ધિથી જ દેશ ઉપર પ્રીતિ રચે છે.

શ્વાન.– પણ જે ધર્મ સાત્ત્વિક દૃષ્ટિથી દૃષ્ટ નથી તે રાજસ છે. સૂર્યના પ્રકાશની પેઠે સનાતન મનુષ્યધર્મનો ત્યાગ કરી પોતાની ભૂમિના ધર્મનો હઠ-ગ્રાહ કરનાર પુરુષ રાગદ્વેષી છે ને સત્ય અને ઋત ઉભયથી દૂર જાય છે. સનાતન ધર્મને પાળી, જન્મભૂમિના ધર્મને સત્યપૂત કરી, પછી તે બે ઉપર દૃષ્ટિ કરનારની દૃષ્ટિ સાત્ત્વિક છે. મનુષ્યોને માટે આટલી ભેદબુદ્ધિની ક્ષમા છે; બાકી સિદ્ધજનોને તો ભેદબુદ્ધિ વિનાના સાત્ત્વિક સનાતન ધર્મ જ સર્વદા પ્રત્યક્ષ ર્‌હે છે. પોતાની અપરમાતા માદ્રીને જોઈ પોતાને થયેલી અને ધર્મવિચારથી અટકાવેલી વિષયવાસનાને ધર્મરાજા બળિરાજા પાસે સ્વીકારતાં લજવાયા નહી કે ડર્યા નહી કે અટક્યા નહી ત્યારે જ એમની દૃષ્ટિ સાત્ત્વિક ગણાઈને બળિરાજાએ તેમને દર્શન આપ્યું. તમે બે જણ તો પૃથ્વી ઉપર જઈ તમારો આ સંબંધ સ્વીકારતાં શરમાશો - એ દૃષ્ટિ સાત્ત્વિક નહી.

સર૦– જો એમ હોય તે તમે અમને કેમ તરત બચકાં ભરતા નથી ? અમે યોગ્ય શિક્ષા લેવા તત્પર છીયે.

શ્વાન.– આવો પ્રશ્ન પુછીને તમે અમારો તેમ કરવાનો અધિકાર બંધ કર્યો.

સર૦– શી રીતે ?

શ્વાન.– મનુષ્ય આમ શિક્ષા જાતે માગી શકે છે તે સાત્ત્વિક દૃષ્ટિને બળે જ. અમારે તો બીજું કારણ પણ હતું ને તે એ કે જે ચિન્તામણિ