પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧

વેગળું રાખી જે જે સંસ્થાનમાં એ રોગ હોય તેનું ઐાષધ શું એ દર્શાવો તો આપણી ચર્ચામાં કાંઈક સૂચક ભાગ આવે.

વિદ્યા०–ધમ્પાટે સાહેબને મન તો સર્વત્ર એ રોગ વ્યાપી ગયો છે.

મણિ०– એમ હોય તો આપણે ત્યાં પણ એ રોગ છે એમ તકરાર ખાતર સ્વીકારો, તો પણ થયો રોગ ન થયો થવાનો નથી. પણ તેને ઉપાય શો ?

વીર०−સાહેબ, મ્‍હારે મન તો એ રોગ અસાધ્ય થઈ ગયો છે; અને હવે તો The states must be stewed in their own sweet juice,

शरीरे जर्जरीभूते व्याधिग्रस्ते कलेवरे ।
औषधं जान्हवीतोयं वैद्यौ नारायणो हरि: ॥

શંકરશર્મા - વીરરાવજીએ તે આપણા રામ પોકારી દીધા અને ફાંસીની સજા બતાવી દીધી. હવે તે વકીલ સાહેબની બુદ્ધિ કાંઈ શોધી ક્‌હાડે તો સાંભળીયે.

પ્રવીણદાસ - “ભાઈસાહેબ, જરા ધીરા થાવ. પાડોશીના દેશમાં કાંઈ સંગ્રહ હશે તો આપણા દુષ્કાળમાં કાંઈ ઉપયોગમાં આવશે. માટે જે રાજ્યમાં વીરરાવજી જેવાં રત્ન નીપજે છે તેની તો કથા કાંઈ પુછો.”

વીર०--“ શું પુછવું છે? બ્રીટિશ રાજ્યની દેશી પ્રજાની સંવૃદ્ધિમાં દેશી રાજ્યોજ હરકતકર્તા છે. અને દેશીઓ રાજ્ય કરવા યોગ્ય છીયે કે નહી એવો પ્રશ્ન ઉઠતાં ઈંગ્રેજી અધિકારીયો તમારા ભણી આંગળી કરે છે અને કહે છે કે દેશીયોને સ્વતંત્ર અધિકાર આપ્યાથી કેવી અવ્યવસ્થા થાય છે તે જોવું હોય તો દેશી રાજયો ભણી જુવો એટલે પ્રત્યક્ષ પાઠ – Object lesson - મળશે. ?

પ્રવીણ०- “ પણ રાવસાહેબ, અમે તો હવે મરણશય્યા પર સુતા તે સુતા. પણ તમારામાં કેટલો જીવ છે તે તો કાંઈ જણાવાની કૃપા કરો.”

વીર० –“ કેવી રીતે જણાવીએ ? ડેલ્હૂઝી જેવો કોઈ ગવર્નર જનરલ આવે, અને રજવાડામાત્રને ઈંગ્રેજી રાજ્યમાં ભેળવી નાંખે તો તરત અમારો જીવ હાલતો ચાલતો જણાય, નાત જાતના ભેદ જેમ અમને પગલે પગલે નડે છે તેમ તમારાં રાજ્યોની સ્થિતિ અમારા અભિલાષને પાછા હઠાવે છે.”

ખાચરનું મ્‍હોં કટાણું થયું.