પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩૦

ઋક્ષ[૧] અને ગજરાજ મહાબળથી ચાલે છે ને તેમના પગમાં ને પગલામાં વિકટ બળ છે ત્યારે આ કપિલોકનાં કમાન જેવાં અસ્થિપંજર ને સ્નાયુઓ તેમને પક્ષીની પેઠે સમુદ્ર ઓળંગવાની શક્તિ આપે છે ને તેમની સ્થિતિસ્થાપકતા તેમને સર્વ ક્‌લેશનું સહન કરવાની શક્તિ આપે છે. આફ્રિકાના તાપને ને હિમાલયના હિમને તેઓ વેઠી શકે છે, ને જ્યાં કુદે છે ત્યાં રહી શકે છે. કુમુદ ! ઋક્ષ અને ગજ જ્યારે પગે ચાલે છે ત્યારે વાનરલોક મ્હોટી મ્હોટી ફાળો ભરે છે ને ઝાડે ઝાડે, પર્વતો ઉપર, રણોમાં, ને સમુદ્રો ઉપર કુદાકુદ કરી આ ચોખંડ પૃથ્વીમાં તેઓ અર્જુનના રથનાં અસંખ્ય સૂત્રો ખેંચી જાય છે. તું જુવે છે કે આ મહાસાગરમાં જ્યાં જ્યાં નૌકાઓના સ્હડ ને ધુમાડાના ગોટ ચાલે છે ત્યાં તુતક ઉપર કે સુકાન ઉપર કે સંચા ઉપર કપિલેાક જ હોય છે ?

કુમુદ – આ ચિત્રદર્શન હું મહાવિસ્મયથી જોઉં છું. અર્જુનદેવ તેમને બહુ લાડ લડાવે છે.

પોપટ – અર્જુન આટલો પક્ષપાત શા માટે કરે છે ?

“ત્હારા ચિરંજીવોને પુછજે !” આકાશવાણી થઈ.

સર૦– આ એમનાં ખેંચેલાં અર્જુનરથનાં સૂત્ર તો જો ! તેમાં શી ક્રિયા ચાલે છે ?

કમુદ૦– આ વાનરોયે એ દોરડાંના તંતુમાત્રને છુટા કરી નાંખ્યા છે ! અને એના ઝીણામાં ઝીણા તન્તુ તે મ્હારા હાથ જેવા જાડા છે ! કોઈ તન્તુમાંથી વિદ્યા વીજળીના ચમકારા પેઠે નીકળે છે તો કોઈમાંથી ધનના ઢગલા વાદળાં પેઠે નીકળે છે. બીજા તન્તુઓની ક્રિયાઓનો પાર નથી, હું જેઉ છું, મોહું છું, પણ વર્ણન કરી શકતી નથી. પેલા ગજ અને ઋક્ષ કોણ છે ?

સર૦– ઋક્ષ લોક રશિયાનો છે ને પેલો પ્રાચીન ગજ તે જર્મનીના મહારાજ્યનું સ્વરૂપ છે. આ કપિલોકમાં જ્યારે પાઞ્ચાલીનું રાજ્ય છે ત્યારે ઋક્ષ અને ગજલેાકમાં દુર્યોધનનું રાજ્ય છે.

કુમુદ૦– એ લોક શું અર્જુનના રથથી ખેંચાતા નથી ?

સર૦– એ રથનાં દોરડાં ઝીલવા ને ખેંચવા એમના દુર્યોધન મહાપ્રયત્ન કરે છે. પણ જ્યાં પાઞ્ચાલી સુખી નથી ત્યાં અર્જુનના રથની ગતિ ધીમી હોય છે. આ ઋક્ષલોકનાં રીંછની શંખણી જેવી રીંછડી પાઞ્ચાલીની કાંઈ


  1. ર. ઋક્ષ = રીંછ (રશિયાના મહારાજ્યની સંજ્ઞા “રીંછ” છે.)