પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૧


આ શાપનો ઉચ્ચાર શાન્ત થયો તેની સાથે ચારે પાસથી બીજા નાદ સંભળાવા લાગ્યા. છેક ક્‌હાનપુરનાં શ્મશાનોમાંથી મરેલી સ્ત્રીયોની અને મરેલાં બાળકોની કારમી મરણચીસો સંભળાવા લાગી અને સર્વનાં કાળજાંમાં વાગવા લાગી.

નાગ૦– પોપટ ! અશ્વત્થામાએ જે ઘેાર કર્મ કૃષ્ણાવતારમાં કર્યું હતું તે પેલા કૃષ્ણપુરમાં - ક્‌હાનપુરમાં – બીજા બ્રાહ્મણનામધારી અશ્વત્થામાએ આ યુગમાં કર્યું છે તેનાં મારેલાં સ્ત્રીબાલસમુદાયની આ ચીસો સાંભળ એ જ અશ્વત્ત્થામા કૃષ્ણાવતાર પછી અનેક વેળાએ આમ પોતાનું સ્વરૂપ આ સ્થાનમાં પ્રકટ કરે છે ને આ યુગના અશ્વત્ત્થામાને પણ પુરાણ અશ્વત્ત્થામા પેઠે ભટકવું પડ્યું છે કે નહી તે શોધી લે જે ! આ કુરુક્ષેત્રમાં અશ્વત્ત્થામા આ રીતે ઘડીક બ્રાહ્મણ થયો છે તો ઘડીક મુસલમાન થયો છે ને બાકીનો કાળ આર્યદેશના પેલા રાફડાઓ રચવામાં ગાળે છે, બ્રહ્મબન્ધુઓનાં મગજમાં પેંસી ધુણે છે, ક્ષત્રિયોને વ્યસની કરે છે, વૈશ્યો પાસે ખોટાં ગણિત ને ખોટા વ્યાપાર કરાવે છે, ને શૂદ્રોને ભીખ માગતા ને ચોરી કરતા કરે છે. આ દેશનાં મનુષ્યોને તે એક બીજા સાથે હળીમળી ખાવાપીવા દેતા નથી, કોઈ પરણે કે મરે કે ગમે તે કાંઈ નવું થાય એટલે તેનાં સગાં વ્હાલાંનાં મગજમાં ભરાય છે ને તેમનાં ધન અનેક જડ માર્ગે તેમને જ હાથે માટીમાં ઢોળાવી દે છે ને કમાનારને કપાળે ફરી કમાવાને પરસેવો જ રાખે છે. પોપટ ! અશ્વત્ત્થામા બાળકોને દમ્પતી બનાવી એક–શય્યામાં સુવાડે છે ને તેમનાં શરીરનો નાશ કરે છે. જેનામાં બળ હોય તેને મસ્ત કરે છે. જેનામાં વિદ્યા હોય તેને લોભી કરે છે. આ તો મ્હેં દૃષ્ટાંત કહ્યાં. પિતામહે તે શાંતિપર્વમાં અને અનુશાસન પર્વમાં કેવા કેવા ધર્મ ક્‌હેલા છે ? એ સર્વ વ્યવહાર આ ઘેલો થયેલો અશ્વત્ત્થામા જ્યાં જ્યાં ફરે છે ત્યાંથી ધ્વસ્ત કરે છે. એ અશ્વત્ત્થામાં હવે બ્રાહ્મણ નથી. ઘડીકમાં તે જનોઈ પ્હેરી રાખે છે ને ઘડીમાં તોડી નાંખે છે ને વળી પ્હેરે છે. ઘડીમાં તે શુદ્ધ થાય છે ને ઘડીમાં મ્લેચ્છ થાય છે. સ્ત્રીયોની અને બાળકોની, ધનની ને ધર્મની, વિદ્યાની અને કળાની, મનની અને તનની, ગૃહસંસારની ને રાજ્યોની, બ્રાહ્મણોની અને ક્ષત્રિયોની કળાની ને શક્તિની, અવ્યવસ્થાને આ ગાંડો દિવસે દિવસે છાનોમાનો અનેક વેશેથી વધારતો જ જાય છે, અને પોતાના સર્વ વ્યાધિયોમાં આર્ય દેશને ભાગીયો કરીને જ રાજી થતો એકલો એકલો નાચે છે ને કુદે છે ! અને કાળે કાળે આખા દેશનાં ભાગ્યનાં બીજ રોપવાના આ ક્ષેત્રમાં