પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૬

અનેક સુઘટિત નામોમાંથી અનેક ઈશ્વરને પકડી કુરુક્ષેત્રના વાતાવરણમાં અનેક જન્તુઓ સમુદ્રનાં માછલાં પેઠે તરવા લાગ્યાં. આવા આવા અસંખ્ય દેખાવ કુરુક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દેશ-પારના મહાસાગરો સુધી બીજા મહાસાગરો પેઠે રેલાવા લાગ્યા, અને કીયા મહાસાગરનું પાણી કીયા મહાસાગરને ધક્‌કેલે છે તે જોવા જેવું થયું.

અન્તે આ મહાસાગરોમાંથી વચ્ચોવચ અશ્વત્ત્થામા નીકળ્યો અને વાદળાં સુધી વ્યાપી રહી ગર્જવા લાગ્યો.

“માનવીઓ ! મહારુદ્રનાથી અધિક સંહારક શક્તિ મ્હારી છે તે મ્હેં દેખાડી ! હવે બ્રહ્માની પેઠે આ મ્હેં મહાસાગરની સૃષ્ટિ ઘડી તે પણ તમે જુવો છો, અકબર બાદશાહની હવેલીયોનાં ખંડેર કરી તેમાં પેલો ઔરંગઝીબ બાદશાહ ઉભો થાય છે તે જુવો ! એ કોણ ? એ મ્લેચ્છોમાં મ્હારો પ્રકટ અવતાર ! આ સમુદ્રમાં હું ઉભો થાઉં છું તેમ શિવાજીના સિંહાસન ઉપર પેલા ઉભા થાય છે તે કોણ? પેશવાઓ! એ તો પેશવાઓરૂપે હું પોતે ! રધુનાથરાવ તે હું જ – આ કુરુક્ષેત્ર સુધી ધ્વજા ઉરાડનાર ને અટક આગળ સેનાના ઘોડાઓને પાણી પાનાર એ તે હું ! ને પેલા મણિ અને નાગને સ્થાને - તેમનાં માથાં ઉપર – રાફડા દેખો છો તે સૃષ્ટિનો બ્રહ્મા પણ હું ! હવે મ્હારી વૈષ્ણવી માયા જુવો!

થોડી વારમાં કુરુક્ષેત્રમાંના સર્વ દેખાવ દેખાતા બંધ થઈ ગયા ને પ્રથમ હતું તેવું શાંત એકાંત થયું ને ધીમે ધીમે તેમાં યાત્રાળુઓ, વણજારાઓ, વ્યાપારીયો, વસવાયા લોક, રજપુત, રાજાઓ, રાણીઓ, બ્રાહ્મણો, ભીખારીઓ, સ્ત્રીઓ, ને બાળકો - એ સર્વનો મ્હોટો મેળો તરવરવા લાગ્યો. તે સર્વ વસ્તીની વચ્ચે એક મ્હોટો ચકડોળ ફરતો હતો ને તેને ફેરવવાના ચક્ર ઉપર એક વૃદ્ધ બ્રાહ્મણ બેઠો હતો.

[૧]“આ બ્રાહ્મણના જીર્ણ શરીરને કોઈ ઝાડનું બળી ગયેલું થડ ધારીને તેમાં ઘરેાળીયોનાં ટોળાં વસતાં હોય તેમ એના જાડાં જાડાં નાડીયોનાં ગુંચળાંથી તેમાં જાળાં પડી ગયાં હતાં અને કદી કદી તો તે જીવતી ઘરેાળીયો જેવાં જ થતાં હતાં. દેવદેવીઓને પગે લાગવાથી તેના શ્યામ કપાળ ઉપર સોજો આવેલો હતો. કોઈ કુવાદીએ આપેલું સિદ્ધાંજન


  1. ૧. બાણકૃત કાદમ્બરીમાં વૃદ્ધ દ્રવિડ ધાર્મિકનું વર્ણન છે તેમાંથી ફેરફાર કરી હવેનું આ બ્રાહ્મણનું વર્ણન લીધું છે. રા. છગનલાલ હરિલાલ પંડ્યાએ કરેલું ભાષાંતર: આવૃત્તિ ૩. પૃષ્ઠ ર૭૪–૭૭ ઉપરથી.