પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦૨


“કુમુદ, ત્હારા પિતાના સ્વામીના રાજ્યનો ભાવી ઉદય આ સ્થાને સુઈ રહ્યો છે તે જો ! પ્રાત:કાળે આ સ્થાને મ્હોટો મેળો જામશે !” સરસ્વતીચંદ્ર ઉડતો ઉડતો બોલવા લાગ્યો.

“અસ્તુ ! માત્ર ભગવાન ભાર્ગવની પળમાં આપણાં અનેક વર્ષ સમાય છે તેટલી વાર હૃદય ધૈર્ય ધરે એમ નથી.” કુમુદ બોલતી બોલતી ઉઠી.

સ્વપ્ન પુરું થયું. બે જણ સૌમનસ્યગુફાના સામા સામી ઓટલાઓ ઉપર છુટાં છુટાં ગાઢ અને સ્વસ્થ નિદ્રામાં પડ્યાં અને સંગત સ્વપ્ન સમાપ્ત થઈ ગયું, અને કદી કદી કુમુદ પોતાનું એકલું સ્વપ્ન જોતી હતી ને લવતી હતી.

“તમે બે વર્ષની ઢીલ બહુ લાંબી નાંખી ! પણ હશે ! પાઞ્ચાલીના વિયોગમાં ને કુન્તીમાતાની ક્ષમામાં આપણી સર્વ સ્ત્રીયોએ લેવાના આશ્વાસનનાં દૃષ્ટાંત છે.”


પ્રકરણ ૩૬.
ચન્દન વૃક્ષ ઉપર છેલો પ્રહાર.

Woodman, spare that tree!
Touch not a single bough !
So long it sheltered me, .
And I'll protect it now.
G. P. Morris.

ચિરંજીવોનું દર્શન સ્વપ્નના સિદ્ધનગરમાં સમાપ્ત થયું તેની સાથે સરસ્વતીચંદ્ર ગાઢ નિદ્રામાં પડ્યો. એક સ્વપ્ન વિના આખી નિશા ગાળી અને પ્રાત:કાળે છેક આઠ વાગે એની આંખ ઉઘડી.

કુમુદ નિત્યને નિયમે ઉઠી હતી. પોતાને થયેલા સ્વપ્નની અદ્દભુત સામગ્રીઓ તેનાં બીજા સ્વપ્નમાં પણ સાધનભૂત થઈ હતી અને ઉઠી ત્યારે સરસ્વતીચંદ્રને ઉઠવાની કેટલીક વાર સુધી વાટ જોઈ પાસે બેસી રહી. અંતે આની નિદ્રાનો ભંગ ન કરવો ઉચિત ગણી દંતધાવન આદિની સામગ્રી એની પાસે મુકી, સાધુજનોનાં કામમાં ભળવા નીચે ગઈ. કેટલીક વારે ઉપર ફેરો ખાવા આવી તો સરસ્વતીચંદ્ર ઉઠેલો હતો તેની સાથે કાંઈ સહજ વાતચીત કરી પાછી ગઈ, અને બે ગુફાઓની વચ્ચેના પુલ ઉપર જતી જતી બોલી : “કોઈને વધારે પરિચયથી વાસના વધે; આપણી ઘટી ! દિવસ જ આજ કેવો સ્વસ્થ, સુંદર અને પવિત્ર લાગે છે?”