પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૧૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦૫

એવો જ છે ને એથી વિશેષ છે. તેઓ સ્વભાવે સુશીલ અને સદ્ગુણી હતા – કુસંગે તેમને અવળે માર્ગે ચ્હડાવ્યા. એ માર્ગ એ ચ્હડયા ત્યારે પણ મ્હેં એમની સમજણનો દોષ ક્‌હાડયો ને એમના હૃદયમાં મને દોષ લાગ્યો નહી. એમનામાં વિદ્યા ન હતી પણ હૃદય હતું – ને તમારામાં પણ તમારી વિદ્યા કરતાં તમારા હૃદયનો વધારે વિશ્વાસ કરું છું તે તમે જાણો છો ! એ જીવ્યા હત તો કોઈ દિવસ શું મને પાછી સ્મરત નહી ? પ્રિય સરસ્વતીચંદ્ર ! આપના ઉપર મને દયા આવી ને એમના ઉપર પ્રીતિ હતી તેથી બે પાસનો વિચાર કરી મનમાં એમ ધારતી હતી કે આપ પાછા મુંબાઈ જાવ તો સુખી થાવ એટલે મ્હારે દયા કરવાનું ર્‌હે નહી, અને હું પાછી કાળે કરીને એમનું હૃદય નરમ થાય ત્યારે એમની પાસે જ જાઉં ! એવો કાળ આવશે એવી મને શ્રદ્ધા હતી અને હવે એ પાસની શ્રદ્ધા અને આશા સર્વ નષ્ટ થઈ ગયાં ! જેમને માટે અત્યાર સુધી હું આપની પાસે આ શરીરને શુદ્ધ રાખી શકી તે ગયા, ને હવે હું સાસરે પણ શું જાઉં ને પીયર પણ શું જાઉં ? મ્હેં એક સ્થાને વાચેલું હવે સ્ફુરે છે ને અનુભવું છું કે.

Jealous, jealous, yet the heart
Loves and weeps when all is past !”

“હરિ ! હરિ ! તને આ જ ગમ્યું ?”

બે હાથે મ્હોં ઢાંકી સંતાડી કુમુદ પુષ્કળ રોવા લાગી. સરસ્વતીચન્દ્રથી તે જોવાયું નહી. મર્યાદા મુકી એની પાસે એ બેઠો ને એને વાંસે અને માથે હાથે ફેરવી ક્‌હેવા લાગ્યો.

“તમારા હૃદયની શુદ્ધતા હું નહી સમજું તો કોણ સમજશે ? તમે ઉદાર છો, શુદ્ધ છો, ને ક્ષમાશીલ છો. હવે આ કાળનું ધૈર્ય પણ તમારામાં આવી શકે છે એટલું વધારે દેખાડી દ્યો.”

કુમુદ૦- હવે હું જે રોઈશ તે જગત અસત્ય જ માનશે.

સર૦– જગત ગમે તે માને ! શોક એ પોતાના હૃદયની સ્થિતિ છે - તેમાં સામાં માણસ સત્ય કે અસત્ય માને તેમાં આપણે શું ? આપણી સંસારી સ્ત્રીયો રોવાકુટવાનાં ચિત્ર ક્‌હાડે છે ને તેમાં કૃત્રિમ કળાઓ વાપરે છે તેવું આપણે ઓછું જ કર્યું છે. તમારો શોક શુદ્ધ છે, પણ સાધુજનો શોકને સ્વીકારતા નથી.