પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦૬


કુમુદ આંસુ લ્હોતી લ્હોતી જરા દૂર ખસી બેઠી.

“આપનું ક્‌હેવું યથાર્થ છે. પણ સંસારની રીતે મ્હારે હવે જુદો આચાર ઘટે છે. પ્રથમ તે હું હવે સ્નાનને અને સૂતકને પાત્ર થઈ ને આ હાથની બંગડીયોનો નાશ ઉચિત થયો. અને વૈધવ્યકાળને જે જે બીજા – ઉચિત સંસ્કાર છે તે કરવા પડશે. પણ મને તે કોણ બતાવશે અને કરાવશે ? ” આટલું પુછતી પુછતી વળી તે રોવા લાગી.

સર૦- જે સંસાર તમે છોડ્યો છે તેના ધર્મ પાળવાની હવે આવશ્યકતા નથી. આ પવિત્ર સ્થાનમાં શુદ્ધ વિવાહથી વિવાહિત દમ્પતીનો મરણ પણ વિયોગ કરી શકતું નથી અને જેને સંસાર જન્મપર્યન્તનું વૈધવ્ય ક્‌હે છે તેને અંહીના સાધુજનો અવૈધવ્ય જ ગણે છે. માટે તમે સાધ્વીજનોમાં શ્રેષ્ઠ આર્યાઓને અને ચન્દ્રાવલીમૈયાને પુછીને તે દર્શાવે તે વિધિ પાળો.

કુમુદ૦– શું આ વેશ રાખવો હવે એક પળ પણ ઉચિત છે ?

સર૦- તમે સાધુજનોની અધ્યાત્મદૃષ્ટિથી જુવો. સર્વ વેશ સંસારના સંપ્રત્યયાત્મક કલ્પનાઓથી થયેલા છે. તમે તેની કલ્પનામાત્રનો નાશ કરો અને ગમે તો, સર્વ વેશને સમાન ગણી, લીધેલા વેશનો ત્યાગ ન કરો અને ગમે તો, સાધુજનો આવા પ્રસંગને માટે જે ઉચિત ગણતા હોય તેવો વેશ સ્વીકારો.

કુમુદ૦– આપે ભગવાં ધર્યાં, તો હું પણ હવે તેનું જ ધારણ કરીશ.

સર૦– જે કરો તે સાધુજનોને પુછીને કરજો.

કુમુદ૦– આપનું વચન સત્ય અને ઉચિત છે.

શોકની મૂર્તિ જેવી, અવસન્નતાની છાયા જેવી, અને નિ:શ્વાસની ધમની [૧] જેવી બાળા સાધુઓ પાસે જવાને ઉઠીને ગઈ; અને જતાં જતાં ચારે પાસની ભીંતોના પત્થર પણ પોતાને જોતા અને કંઈક ક્‌હેતા હોય એમ તેમના ભણી આંખ અને કાન માંડતી, વસન્તગુફાની નીસરણી ઉપરથી, ધીમી ધીમી ઉતરી – તેને જોનારને એવું જ ભાન થાય કે આ ગમે તો પગથીયાં ગણે છે ને ગમે તો પોતાનાં પગલાં ગણે છે – આમ એ ઉતરી એની પાછળ દૃષ્ટિપાત નાંખતો, આંખનો પલકારો કર્યાવિના એને ન્યાળી ર્‌હેતો, સરસ્વતીચંદ્ર બેસી રહ્યો ને એ અદૃશ્ય થઈ એટલે વિચારમાં પડ્યો.


  1. ૧. ધમણ.