પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦૮


“કુમુદ ! સંસાર તને વિરોધની મૂર્ત્તિ ગણે તો તેનો શો દોષ? મ્હારા ઉપર આટલી પ્રીતિ પ્રત્યક્ષ ધારનાર હૃદયમાં પ્રમાદને માટે અત્યારે તને શોક થાય છે તેને ગમે તો સંસાર સ્ત્રીચરિતના ચાળા જેવો માને ને ગમે તો ઈશ્વરે રચેલા અનેક પરસ્પર – વિરોધી ચમત્કારોમાંનો એક ગણે નહી તો બીજું શું કરે? . તેને મન તો

“ Woman's at best a contradiction still !” †[૧]

“પણ આ સાધુજનોની ચિકિત્સા ત્હારી શુદ્ધ પરીક્ષા કરશે અને તને ઉત્તમ ઔષધ આપશે, ત્હારા વિરોધમાં તેઓ માત્ર વિરોધાભાસ જ જુવે છે, અને હૃદયનાં અવિરોધી સત્વોને શોધી ક્‌હાડી તેમનું સંગીત પ્રકટ કરશે. સંસાર ! ચંદનવૃક્ષની શાખા જેવી કુમુદને તું કેટલા પ્રહાર કરે છે? બહુ બહુ પ્રહાર ત્હેં કર્યા ! તે પ્રહારથી ઉડેલો સુગન્ધ સુન્દરગિરિ ઉપરનાં પવિત્ર સત્વોનાં હૃદય સુધી પહોચ્યો છે ! સંસાર ! હવે ત્હારા પ્રહારો બંધ કર ! ત્હારી કુહાડી હવે આ વૃક્ષને સ્પર્શ કરે એમ હું નહી થવા દઉં ! એમ ન થવા દેવાને હું અધિકારી થયો છું, અને તેમ ન થવા દેવું એ મ્હારો ધર્મ તો છે જ !”


  1. † Popes Moral Essays

પ્રકરણ ૩૭.
મિત્ર કે પ્રિયા ?
प्रेयो मित्रं बन्धुता वा समग्रा सर्वे कामाः शेवधिजीवितं च X X X धर्मदाराश्च पुंसाम् ॥ - भवभूति

(અર્થ – ધર્મપત્ની, પતિને સર્વથી વધારે મિત્ર છે, સર્વે સગપણનો સરવાળો છે, સર્વ ઇચ્છાઓનું સ્વરૂપ અને સર્વ ભંડાર છે, ને પતિનું જીવન જ છે. - ભવભૂતિ )

પોતે ઉછેરેલું ચન્દનવૃક્ષ સંસારનો આ નવો પ્રહાર કેવી રીતે સહી શકે છે અને પોતે તેને કેટલું બળ આપેલું છે તેનું ગણિત કરતો કરતો એ વૃક્ષનો માળી સરસ્વતીચંદ્ર, અનેક વિચારોમાં મગ્ન થઈ, તેના અને પોતાના સહવાસ અને સંગત-સ્વપ્નોના સ્થાનભૂત ઓટલા આગળ ઉભો રહી, બ્હાર દ્રષ્ટિ નાંખવા લાગ્યો.