પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧૨

ગુંચવારા નીકળે છે તે જાતે જોવા સૂક્ષ્મ અને રમણીય હોય છે તેવાં તેમનાં સમાધાન પણ સૂક્ષ્મ અને રમણીય થાય છે. સત્ય છે કે એ ધર્મનાં પાલન કઠણ અને કષ્ટસાધ્ય થાય છે – પણ એથી જ તે પાલન તપ-રૂપ છે, એથી જ તે સાધુજનોને સિદ્ધ કરે છે, અને એથી જ તે અસાધુજનોને ગમતા નથી. પણ એ ધર્મ જાણવામાં કે પાળવામાં આ તપ વિના બીજો ગુંચવારો નથી. કુમુદ ! ચન્દ્રાવલીમૈયાની રસબુદ્ધિએ આપણે માટે યોજેલા તપમાં, અને આપણાં સૂક્ષ્મ જીવનમાં, આપણે કેવી રમણીયતા અને સંસિદ્ધિ ધર્મથી અનુભવી છે ?


પ્રકરણ ૩૮.
સ્ત્રીજનનું હૃદય અને એ હૃદયની સત્તા.
I pass, like night, from land to land ;
I have strange power of speech ;
That moment that his face I see,
I know the man that must hear me :
To him my tale I teach.
Coleridge's Ancient Mariner.
सुश्रुवे प्रियजनस्य कातरम्
विप्रलम्भपरिशंकिनी वचः ॥ रघुवंशम् ॥
आशाबन्धः कुसुमसदृशं प्रायशोऽह्यङ्गनानाम्
सद्यःपाति प्रणयि हृदयं विप्रलम्भे रुणाद्वि ॥
-ભવ ભૂતિ.

ગવી કન્થા ધારી કુમુદ સાધ્વીયો સાથે ગઈ અને સરસ્વતીચન્દ્ર સૌમનસ્યગુફાના સંસ્કારદીપક ઓટલા ઉપર બેસી પોતે જોયેલાં સ્વપ્નોના પોતે લખેલા ઇતિહાસ વાંચવા લાગ્યો અને પોતાના દેશનું અને દેશની વસ્તીનું કલ્યાણ શામાં છે અને કેવાં સાધનથી સાધ્ય છે તેના વિચાર કરવા લાગ્યો. વિચારે વિચારે એની સ્વપ્નસામગ્રી સહાયભૂત થઈને આખો દિવસ પ્રસન્ન ચિન્તામાં ગયો. ભોજનકાળ વિના એમાં બીજું વિઘ્ન આવ્યું નહી અને કુમુદના વિના બીજા સત્વે તેમાં વ્યવધાનશક્તિ બતાવી નહી. અપ્રત્યક્ષ રહીને પણ અત્યારે કુમુદ જે વ્યવધાનશક્તિ બતાવતી હતી તે પણ સાત્ત્વિક પ્રીતિના સંસ્કારોનાં જાગૃત સ્વપ્નો ઉત્પન્ન કરીને