પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫૦


પ્રકરણ ૪૦.
ન્યાય ધર્મની ઉગ્રતા ને સંસારના સંપ્રત્યયની કોમળતા.
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु
लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम ।
अद्यैव वा मरणमस्तु युगान्तरे वा
न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥
-भर्तृहरि
Fiat Justitia ruat caelem ! (Justice shall be done :
though the heavens fall !) A Maxim of Law.
“એ તે જ્ઞાન મને ગમતું નથી ! ઋષિરાયજી રે”
-(પ્રેમાનંદ : સુદામાચરિત)

ચંદ્રકાન્તને મળનાર સાધુજન પાછો ચંદ્રકાંતને મળ્યો ને તેમના સંકેત પ્રમાણે તે ગયો ને તે વાતમાં પોતાને જિજ્ઞાસા ન હોય એવું પોલિસના ઉપરી સરદારસિંહે દર્શાવ્યું. ચન્દ્રકાંત, ચાર પાસનો દેશ જોવા જાય છે એવું પ્રસિદ્ધ કરી, પાછલે પ્હોરે નીકળી વિદ્યાચતુરની એક ગાડીમાં ગયો, અને તેને સુન્દરગિરિની પૂર્વ તળેટીમાં એક થાણામાં રાખી એક માંચીમાં બેસી ઉપર ચ્હડવાનું હતું ત્યાં આગળ રસ્તામાં પોતાની સાથે સંકેત કરનાર સાધુએ એની જોડે મળવાને સંકેત કર્યો.

જે સાંઝે ચન્દ્રકાંત રત્નનગરીથી નીકળ્યો તે પછીને પ્રાતઃકાળે થોડી વાર પછી વિદ્યાચતુરે પોતાના ભવનમાં પોતાના ખંડમાં ગુણસુન્દરીને બેલાવી. આરામખુરશી ઉપર તે પડ્યો ને સામે ખુરશી પર ચિન્તાતુર ગુણસુન્દરી બેઠી.

"ગુણીયલ સરસ્વતીચન્દ્ર સોયે નવાણુંવસા વિદ્યમાન છે, પણ તે સાધુ થયા છે ને વિષ્ણુદાસ બાવાના મઠમાં છે. હવે આપણે તેમની આશા રાખવી વ્યર્થ છે.”

ગુણ૦- મા વિનાના એ બાળકને પાછા સંસારમાં આણવાને મા જોઈએ, એમના દુઃખથી હદ વળી ! હું કુમુદનું દુ:ખ ભુલવા જાઉં છું ત્યાં કુસુમનું દુઃખ ઉભું થાય છે ને તે ભુલું છું ત્યાં સરસ્વતીચન્દ્રનું દુ:ખ કાળજું વીંધી નાંખે છે. આપ આજ્ઞા આપો તો બાવાજીના મઠમાં જઈશ ને મ્હારું મ્હોં બાવાજી કે એ બેમાંથી કોઈ નહી તરછોડે.