પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫૫

પ્રવર્તવા નિશ્ચય કર્યો છે. સરસ્વતીચંદ્ર ઉપરથી કુમુદનું હૃદય દૂર થઈ શકયું ન હોય તો દોષ કોનો ? સર્વથા આપણો. આપણા દોષનું ફળ ચાખતાં આપણે ડરવું ન જોઈએ. આપણા દોષનાં વિષફળ બીજાને ચાખવાં ન પડે એવું કરવું એ આપણો ધર્મ છે. અન્ય સંસારથી કંટાળી આત્મહત્યા કરવા જતાં જીવતી ર્‌હેલી કુમુદ પોતાની વિધવાવસ્થામાં સરસ્વતીચંદ્રના આશ્રયથી જ સુખી થવા ઇચ્છતી હોય તો તેમાં વિધ્ન નાંખવું નહી પણ સાહાય્ય આપવું એ આપણો ધર્મ છે એવું હું માનું છું, અને સર્વ સુધરેલા દેશો તો એને કેવળ ધર્મ નહી પણ માતાપિતાની ખરી પ્રીતિની કસોટી માને છે - તે ત્હારાથી ક્યાં અજાણ્યું છે ? કુમુદના દુઃખી જીવનને માટે સુખનો જો એ જ માર્ગ હશે તો આપણે તે લેવો - ગુણીયલે તે આપવામાં મ્હારી સાથે ભળવું – એ હું ઇચ્છું છું. મ્હેં તને વિદ્યા આપવા પ્રયત્ન કરેલો છે તે આવા ધર્મના બોધને માટે.

“હું જાણું છું કે આ કાર્યમાં અપકીર્તિ છે, આપણા લોકનું બીજી રીતે કલ્યાણ કરવાને આપણે આ કાર્યને લીધે અશકત થઈશું, અને આ કાર્ય કરી મહારાજના પ્રધાનપદમાં ર્‌હેવું તે મહારાજને ગુંચવારામાં નાંખવા જેવું છે. એમની પ્રજા આ કાર્યનું અભિનન્દન નહી કરે અને મને ભ્રષ્ટ ગણશે. પ્રજા જેને ભ્રષ્ટ ગણે એવા મનુષ્યનો અધિકારથી દૂર કરવો એ મહારાજનો ધર્મ છે, એ ધર્મનો મહારાજને બોધ કરવો એ મ્હારો ધર્મ છે એ ધર્મ હું પાળીશ ને કુમુદને સુખી કરવાને આવો ધર્મ પ્રાપ્ત થશે તો પ્રધાનપદનો ત્યાગ પરમ સંતોષથી કરીશ – તે પછી હું અને તું બે જણનો જ સહવાસ રહ્યો - તે સહવાસનો તું મને અધિકારી ગણીશ તો.

“એ પ્રસંગ આવશે તો કુસુમનો અભિલાષ પણ હું પૂર્ણ કરીશ. એની ઇચ્છા હશે તે મોહનીમૈયાના પરિવ્રાજિકામઠમાં યોગ્ય વ્યવસ્થાથી તે ર્‌હેશે, મરજી હશે તો હું એને યુરોપ અમેરિકામાં કુમારિકાઓને અભ્યાસમાં અને પરમાર્થમાં જીવન ગાળવાનાં સ્થાન છે ત્યાં મોકલીશ, ને મરજી હશે તો સ્વતંત્ર મુંબાઈનગરીમાં રહી નીતિ, પરમાર્થ, અને વિદ્યાનું સેવન કરવામાં આયુષ્ય ગાળવાની એને અનુકૂળતા કરી આપીશ. કાર્યને અંગે પણ પ્રધાનપદ છોડવું પ્રાપ્ત થશે."

“ગુણીયલ ! ધર્મને નામે પ્રચાર પામેલા લોકાચારથી દોરાઈ આપણે એક વાર કુમુદને કુવામાં નાંખી ! એની સ્વતંત્રતાનો નાશ કર્યો ! એને અધમ પુરુષના કર-પંજરમાં પુરી દીધી ! એ સર્વથા પાપ થયું – મહાપાપ થયું. હવે એ પાપ ફરી કરવાની મ્હારી વૃત્તિ નથી. જે અધ્યાત્મ