પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫


શંકર૦ – “ધન લેવાનો તો લેવાનોને પણ जामाता दशमो ग्रहः તેમ વગર સપાડે ધન લેઈ, અમને ગાળો દેવાનો, ફજેત કરવાનો, દુ:ખી કરવાનો, અમારે માથે દશમા ગ્રહ પેઠે નડતરની તરવાર વીંઝવાનો, અધિકાર કોણે સોંપ્યો કે નિત્ય સવારે તમારાં વર્તમાનપત્રો શું ભસે છે તે અમારે જોવું પડે ?”

વીર૦ – “ભાઈ, અમે તો તમારા ભાણેજ પણ નથી ને જમાઈ પણ નથી; પણ તમારા ઘરના બ્રાહ્મણ ગોર તો ખરા કે તમે ધર્મભ્રષ્ટ થાવ તેા તમારાં ઘરની સ્ત્રીઓ જેવી પ્રજા પાસે બુમો પડાવીએ ને તમને ધર્મને માર્ગે આણીએ. આજ કાલ તો ઘરના કુલગુરુથી ન થાય તે ઘરની સ્ત્રીથી થાકીને તમે કરો. આ દેશમાં કલિયુગમાં ધર્મનું રક્ષણ કરનારી સ્ત્રીયો છે તેનો ઘેરેઘેર અનુભવ કરો.”

શંકર૦– “આ વળી નવું તુત નીકળ્યું.”

વીર૦– “નવું કાંઈ નથી. જુનું જ છે. તમારી સ્ત્રીઓ લગ્નમાં ગાય છે કે નાથ્યો રે નાથ્યો ! તમે નાસિકાના કીયા ભાગમાંથી નથાવ છો તે તમારી સ્ત્રીયો શોધી ક્‌હાડે, અને ઘરના ગોર તે અમે તેમને ઉશ્કેરીયે એટલે તમે નથાવ. એ તો અમારું કામ કે જે તે માર્ગે તમારા ઘરમાંથી ધર્મ દૂર ન જાય !”

શંકર૦ – “ને ગોરનું ત્રભાણું ભરાય !”

વીર૦ - “સાહેબજી! મ્હારાં ભાષણની કુલીનતા તમારામાં પણ આવવા લાગી ને મ્હારી જ્ઞાતિ વધવા લાગી. હવે ભાઈ ચંદ્રકાંત, આમને ઉત્તર આપજો.”

ચંદ્ર૦ – “અમારા અને તમારા સ્વાર્થ જુદા ગણવા એ જ મ્હોટી ચુક છે. પ્રજાના ભણીથી વિચાર કરો તો આખા ભરતખંડની પ્રજાના સ્વાર્થ એક છે, ને જેમ જ્ઞાતિભેદથી એ સ્વાર્થને હાનિ છે તેમ પ્રાંતભેદથી કપ્રજાભેદ ગણવામાં પણ આ સ્વાર્થને હાનિ છે. રાજાના ભણીથી વિચાર કરો તો પણ સર્વ પ્રજાઓને અને માંડલિક રાજાઓને સાચવનાર ચક્રવતીંના સામ્રાજ્યના અમે તમે અંશભૂત છીએ અને એ મહાન્ યંત્રનાં આપણે ચક્ર છીએ તે ચક્રોની ગતિમાં પણ સંવાદ*[૧] થવો અવશ્ય છે, શું હીંદુસ્થાનની સરહદ ઉપર હુમલા થશે ત્યારે તમે ઈંગ્રેજથી જુદા પડશો કે અમે જુદા પડીશું ? જયારે


  1. *Harmony, સર્વ રાગોનો એક રાગમાં લય.