પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૧૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯૯

આજ્ઞા માગવાની બાકી ર્‌હેતી નથી, પણ તમારી ઇચ્છા પ્રમાણે સુવૃષ્ટ થવું એ મ્હારો સ્વભાવ જ બંધાયલો સમજજો.

ચન્દ્ર૦– કુમુદસુન્દરી, શુભ કાર્યે સીધાવો અને હવે ભૂતકાળમાં જે મિત્ર વજ્ર થયો હતો તે હવે તમારા હૃદયથી ભિન્ન થઈ શકે એમ નથી. ઈશ્વર તમને સદ્બુદ્ધિ આપો અને પવિત્ર અને ઉત્કૃષ્ટ રસનો તો તમારા હૃદયમાં ઈશ્વરે જ ઝરો નિર્મેલો છે. તમને અમારા બેના આશીર્વાદ છે.

કુમુદસુન્દરી નેત્ર લ્હોતી લ્હોતી ગઈ. વળી પાછી ફરી– “આપણાં સ્વપ્નને આપે લખેલા લેખ આપશો ? હું તે સર્વે કુસુમની પાસે વંચાવીશ અને તેની બુદ્ધિનું સાહાય્ય લેવાને સાધનવતી થઈશ. એ છે તો બાળક પણ એની બુદ્ધિ અપૂર્વ ચમત્કારોથી ભરેલી છે.”

"ભલે !"

લેખ લેઈ કન્થામાં ગુપ્ત રાખી, કુમુદ ગઈ. અદૃશ્ય થઈ.

“સરસ્વતીચંદ્ર, આપણે હવે તમારા ગુરુજી પાસે જઈશું ?“ ચંદ્રકાંતે પુછયું.

“અવશ્ય.”

બે જણ ઉતર્યા ને થોડી વારમાં તેમણે અને નીચેના સાધુઓએ સૌમનસ્યગુફાને હતી તેવી શૂન્ય કરી દીધી. તેમાંથી નીકળીને પળવાર સરસ્વતીચંદ્ર, પાછો ફરી, ઉભો રહી, ઉપરથી નીચે સુધી પોતાના અપૂર્વ સંસ્કારોની સાધક આ ગુફાનાં દર્શન કરવા લાગ્યો અને તેને હૃદયમાં નમસ્કાર કરી સઉની સાથે ચાલ્યો.

માથે ચૈત્રી પ્રાત:કાળનો સૂર્ય, પર્વતના ઉંચામાં ઉંચા ભાગના પવનની ઉત્સાહક લ્હેરો, અાશપાશની નેત્રને શીતળ કરનારી ને રમણીય લીલીછમ લીલોતરી, વચ્ચે વચ્ચે તપ કરવા બેઠેલા જટાધર વૃદ્ધ યોગીઓ જેવા કાળા ખડકો, સામે દૂર સમુદ્રની ઝીણી આકાશમાં મળી જતી જળરેખા, અને પગ ખસે નહી એટલું લક્ષયમાં રાખવાનું આવશ્યક કરતો સાંકડો ઉતરતો માર્ગ : એ સર્વ વચ્ચે એ માર્ગ ઉપર શાંત સાધુઓ અને તેમની વચ્ચે બે મિત્રો એટલું મંડળ, એક શબ્દ બોલ્યાવિના ચાલતું, ઉતરતું હતું, ને તે સર્વ વચ્ચે સરસ્વતીચંદ્રનું હૃદય, નવી શાંતિથી ને નવી સમૃદ્ધિથી, એના પગ ઉપડતા હતા તેની સાથે સાથે ઉપડતું હોય તેમ, ધડકતું હતું અને, ચારે પાસનાં ઝાડોને ગિરિશિખરનો પવન વાળતો હતો તેમ, એના વિચારને વાળતું હતું, આવી શાંતિથી તે નીચું જોઈ ચિરંજીવશૃંથી યદુશૃંગ