પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨૪


સુન્દર૦– તું નહી માને. મ્હારી કુમુદ માનશે – મને માંહ્ય આવવા દે.

કુસુમ૦– અમે બે જણ જઈએ ત્યારે આવજો. હવે કુમુદબ્હેનને "મ્હારી ” કહેવાનું ખાલી સુવાસલું નહીં જોઈએ.

સુન્દર કુસુમને હડસેલી નાંખી તંબુમાં ગઈ. કુમુદ ઉઠી સામી આવી. કાકી ભત્રીજી ભેટી પડ્યાં ને રોઈ પડ્યાં ને સુંદરે કુમુદને છાતી સરસી ડાબી દીધી. બે છુટાં પડ્યાં ને એક કોચ ઉપર બેઠાં. કાકી સામી ંઆંખો ક્‌હાડતી કુસુમ એક પાસ સામી ઉભી. થોડી વાર ત્રણમાંથી કોઈ બોલ્યું નહી. અંતે સુન્દર બેલી : “કુમુદ, અમે તને બહુ દુઃખી મેરી ખરું ?”

કુમુદ૦– ના, કાકી, હું હવે સાધુસંગતિમાં પરમ સુખી છું, પણ કાઈ જાણેલી દીકરીને જીવતી જાણી સઉને જે ક્લેશ થયો હશે તેનું હું કારણ થઈ પડી.

સુન્દર૦– બેટા, હવે એ ગઈ ગુજરી જવા દે. ચન્દ્રાવલીએ ભાભીજીના હૃદયમાં અર્ધું અમૃત રેડ્યું છે ને બાકીનું રેડવું એ તમે બે બ્હેનોના હાથમાં છે. તમારા વિના કોઈ જમે એમ નથી – ક્‌હે તો ત્હારી ગુણીયલને પોતાને મોકલું, ને ગમે તો તે બેલાવે છે માટે મ્હારી જોડે ચાલ.

કુમુદ૦– કાકી, હું સાધુઓ ભેગી જમી છું ને મ્હારી હયાતી પ્રકટ કરવાથી સઉને સુખ છે કે દુ:ખ તે જોવાનું બાકી છે.

સુન્દર૦- તે સઉનું થઈ ર્‌હેશે. હવણાં તો તું ચાલ નક્કી, તું કુસુમ જેવી કઠણ નથી.

કુમુદ૦- જેવી આજ્ઞા બ્હેન, ચાલો.

બે જણ ગયાં. ગુણસુંદરી એની વાટ જોઈ ઉભી હતી. કુમુદ પાસે ગઈ ને માતાને ચરણે માથું મુકી એને પગે પડી, પણ બોલાયું નહી.

હાથવતે એને ઉઠાડતી ઉઠાડતી ગુણસુંદરી બોલીઃ “ઉઠ, કુમુદ ! ઘેલાં ન ક્‌હાડ. જેને માથે પુરુષો, અને તેમાં પણ વડીલ જેવા વૃદ્ધો, છત્રની પેઠે વરસાદ અને તડકામાંથી રક્ષણ કરનાર છે તેવી સ્ત્રીયોએ પોતાનાં બાળકની પણ ચિંતા કરવી અયોગ્ય છે. ત્હારે ને મ્હારે બેને પગે લાગવાનું સ્થાન વડીલ છે માટે તેને પગે લાગ.”

કુમુદ ઉઠ્યા વિના રોતે થડકાયલે સ્વરે બોલી: “તેમને તો પ્રથમથી જ પગે લાગી ચુકી છું.”