પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨૫


ગુણ૦– તેમને પગે લાગી તો મને હજાર વાર તું પગે લાગી. હવે તો મ્હારે તેમને પગે લાગવાનું બાકી રહ્યું છે કે મ્હારે માથે એમના જેવું છત્ર છતાં મ્હારું હૃદય મ્હારા હાથમાં ન રહ્યું. ગમે એટલું પણ હું યે સ્ત્રી તે સ્ત્રી જ.

માનચતુર પાસે આવી કુમુદને ઉઠાડવા લાગ્યોઃ – “કુમુદ, બેટા, હવે ઉઠ – હવે તો જેટલી વધારે વાર તું પગે પડી રહીશ એટલી ગુણીયલને શિક્ષા થાય છે.”

કુમુદ તરત ઉઠી ને રોતી રોતી નીચું જોઈ સામી ઉભી રહી. એની આંખોમાં અને ગાલો ઉપર આંસુ છલકાઈ રહ્યાં હતાં.

માન૦– કુમુદ, ચન્દ્રાવલીએ ત્હારા દુઃખની જે વાત કરી છે ને ત્હારા સદ્ગુણની જે વાત કરી છે તે પછી મ્હારે કે ગુણસુંદરીયે તને કાંઈ ક્‌હેવાનું રહ્યું નથી. હવે થઈ ગયું ભુલી, કરવાનું શું તે જ વિચારવાનું છે. માટે આપણે જમી લઈએ તે પછી ત્હારે જે ક્‌હેવું હોય તે કુસુમને કહી દેજે ને ચંદ્રાવલી પણ અંહી જ ભોજન લેશે. તેમણે જ અમને તને જીવાડીને સોંપી છે તો ત્હારી ચિંતા કરવામાં તેમને પુછ્યા વિના ડગલું નહી ભરીયે. સુંદર, ત્યાર સોરાં સંભારજો કે ચન્દ્રકાંતને પણ બોલાવીયે ને આપણા વિચારમાં એમને યે ભેળવીયે.



પ્રકરણ ૫૦.
ગંગાયમુના.
બહેની ! એ તો કામણગારો રે !
ત્હારે માટે સર્વથી ન્યારો રે !

કુમુદબ્હેન ! આ સંસારના દમ્ભને છોડી જે રાત્રિ જોવાનો સરસ્વતીચંદ્રનો અભિલાષ હતો અને જેને માટે એમણે સર્વસ્વનો ત્યાગ કર્યો એ રાત્રિને તમે પણ એમની સાથે જઈ જોઈ આવ્યાં ખરાં !” તમ્બુની અંદરની કનાત અને બ્હારની કનાત આગળની દોરીયો વચ્ચે તમ્બુના દ્વારમાં થઈને આવજા કરતી અને એના એક સ્તમ્ભને ઝીલતી ઝીલતી કુસુમ બોલી – “લ્યો પાછા આ એમના લેખ.”

“હા, હું જોઈ આવી ને એ લેખ તો તને જ આપવાને માટે લાવી છું. ” કુમુદ એક ખુરસી ઉપર બેઠી બેઠી બોલી.