પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨૯


કુસુમ૦- ન્યૂનતા થાય તે પછી સાલે તે નકામું. એ ન્યૂનતાનો પ્રસંગ જ દૂર રાખવો.

કુમુદ૦- જેણે આજથી ચન્દ્રકુમુદના જેવો, વિહારપુરી ને ચન્દ્રાવલી જેવો, અશરીર – કેવળ માનસિક - સ્નેહનો યોગ મ્હારી સાથે જન્મારો રાખવાની સજ્જતા દર્શાવી છે તે ત્હારા ભયનો પ્રસંગ સરખો નહી આવવા દે એવું તું ધારતી નથી ?

કુસુમ૦- સજ્જ હોય માટે સમર્થ પણ છે એમ કંઈ ક્‌હેવાય ?

કુમુદ૦– હું અનુભવની વાત કહું છું કે તે મહાસમર્થ ત્યાગી છે.

કુસુમ૦– મને કાકીએ કહ્યું છે કે સ્ત્રીઓ જેવી દૃઢતા પુરુષોમાં નથી – પુરુષો ભલે પોતાની સ્તુતિ કરે.

કુમુદ૦– કાકીએ સત્ય કહ્યું છે. પણ જેમ સામાન્ય રીતે પુરૂષો કરતાં સ્ત્રીયો નીચી હોય છે છતાં પુરુષો કરતાં ઉંચી સ્ત્રી પણ મળી આવે છે તેમ પુરુષોમાં પણ આવા ત્યાગી હોય છે–

કુસુમ૦- બ્હેન, તમે જે અણીશુદ્ધ પવિત્ર રહ્યાં છે તે તમારી જ શક્તિનું ફળ છે ને તમારા હૃદયની પ્રીતિ તમારી જીભને તમારી આત્મસ્તુતિના માર્ગથી આડી વાળે છે.

કુમુદ૦– મ્હેં તને સત્ય કહ્યું હતું તે ફરી કહું છું કે હું અત્તરની શીશી પેઠે ઢોળાઈ જવા જેવી થઈ હતી; તેને આ સમર્થ ત્યાગીએ સિદ્ધી કરી ને મ્હારી પવિત્રતાનું અત્તર અમર રાખ્યું. જેણે અઢળક લક્ષ્મીનો મ્હારો, અને ઇન્દ્રપુરીજેવી મુંબાઈનો ત્યાગ કર્યો તે મહાત્મા મન્મથના અગ્નિ ઉપર દાઝ્યાવિના ચાલી શકે એમાં તને શું આશ્ચર્ય લાગે છે ?

કુસુમ૦– આશ્ચર્ય તો કાંઈ નથી. માત્ર અનુભવીયોનો અભિપ્રાય છે.

કુમુદ૦– ત્હેં એમનાં સ્વપ્નોનો સાર જાણ્યો ને એમણે ધારેલા સમારમ્ભનો સાર જાણ્યો. તે કામમાં ખરચવા રાખેલી લક્ષ્મી તેમને એાછી પડે છે માટે પુત્રાદિ ઉપાધિ પણ જોઈએ નહી એવો તેમનો નિશ્ચય છે તે પણ ત્હેં જાણ્યું છે; અને કુમુદ સાથેનો સંસાર પણ ઇચ્છતા નથી પણ કુમુદને દીધેલા દુઃખના પ્રાયશ્ચિત્તરૂપ ગણીને જ સ્વીકારવા ધારે છે – તે તને કહ્યું.

કુસુમ૦– તે પણ હશે. પણ મને આ કથાનો જ કંટાળો આવ્યો છે. તમે બીજી વાત ક્‌હાડો.