પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩૪


કુસુમ૦–સદ્વસ્તુ વાંચીશ, જાણીશ, ને સ્વસ્થ રહીશ.

કુમુદ૦– બીજી કાંઈ કલ્યાણકર ક્રિયા કે ફળ વિના આટલા એકલપેટા સ્વચ્છન્દી નિષ્ફળ જીવનથી તને સંતોષ છે ? ત્હારા વાંચ્યાનું અને જાણ્યાનું ફળ બીજા કોઈને શું થશે ? પાણી ભરેલાં વાદળાં વાદળમાં જ વેરાઈ જાય તેમ ત્હારા સુંદર જીવનને વેરી નાંખવાને માર્ગે તું ચ્હડતી નથી ? કુસુમ, આ સામે સુભદ્રાનો અને રત્નાકરનો પુણ્ય સંયોગ આ ગિરિરાજ ઉપરથી આપણે જોઈ શકીયે છીયે તે જરી જો !

કુસુમે દૃષ્ટિ કરી પણ ઉત્તર ન દીધો.

કુમુદ૦– સુભદ્રા મીઠા જળની ભરેલી છે પણ પોતાના તીર ઉપરના પ્રદેશ વિના બીજાને તેનો લાભ મળતો નથી – મળી શકે એમ નથી – પણ એનાં વેગભર્યો જળ મહાસાગરમાં ભળે છે, ભળે છે પણ મહાસાગરને મીઠો કરી ન શકતાં એનું પોતાનું જળ, ખારું બની, દેખાતું બંધ થાય છે અને જયાં ત્યાં મહાસાગરનું જળ ખળખળતું દેખાય છે ! પણ ત્યાં જ એમનું અદ્વૈત સમજવું ! સુભદ્રા પોતાની શક્તિ પ્રમાણે આ મહાસાગરની જળસમૃદ્ધિને પોષે છે – તેમાં વધારો કરે છે, પૃથ્વી ઉપરનાં દૂરનાં અનેક ગુપ્ત સ્થાનોમાંથી કંઈ કંઈ પદાર્થો ખેંચી આણે છે ને – તે શા શા છે તે જાણવા હોય તો ચાર દિવસ ચંદ્રાવલી બ્હેનના ચોતરા આગળ ઉભી ઉભી જોયાં કરજે – એ ખેંચી આણેલા પદાર્થોથી રત્નાકરનાં ઉંડાં મર્મસ્થાન ભરાય છે – ને રત્નાકર રત્નાકર થાય છે. એ રત્નાકર ઉપર પૃથ્વીની નૌકાઓ દોડ્યાં કરે છે ને સંસારને સાંકળે છે, એ રત્નાકર પૃથ્વી ઉપરના આ સર્વે વાતાવરણને પલાળે છે ને પ્રાણીમાત્રનાં જીવનમાં પળે પળે નવા જીવ ભરે છે, એ રત્નાકર એથી પણ વધારે ઉંચે ચ્હડી આકાશની મેઘમાળાઓનું સ્વરૂપ ધરે છે અને મેઘમાળાઓના ભવ્ય સંચય સંસારનું શું શું કલ્યાણ નથી કરતા ! કુસુમ, તું એકલી કૌમારવ્રત પાળી શું કરવાની હતી ? એકલો પડેલો પાણીનો રેલે ધુળમાં ભળી જાય છે, મનુષ્યોના ચરણની રજમાં ચંપાઈ જાય છે, ને તડકામાં ઉડી જાય છે ! તેવું ત્હારું જીવન થશે. જે મહાત્માનાં અંતઃસ્વપ્ન ત્હેં જોયાં અને જેનાં કલ્યાણ કાર્યનું મનોરાજ્ય ત્હેં દૃષ્ટિગોચર કર્યું તે મહાત્માના હૃદયરત્નાકરની તું રંક સુભદ્રા થઈશ તો પણ એાછી વાત નથી; તો આ તો એની ગંગા એની બ્રહ્મપુત્રા, અને એની સિન્ધુ એ સર્વ મહાનદીઓનું કામ કરવાને તું એકલી જ સમર્થ છે ને તારા વિના એ કામ કરવાને આખા ત્રિભુવનમાં કોઈ સમર્થ નથી ! તો કુસ્મ, શું એવું પુણ્ય જીવન પ્રાપ્ત કરવા તને અભિલાષ નથી થતો ?